ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવવામાં ભારત જેવું કોઈ નહીં
ઇંગ્લૅન્ડે છોડ્યા છ કૅચ, છેલ્લા સાત વર્ષનો વિક્રમ

લંડન: ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટે રમાતી પાંચ મૅચની ટેસ્ટ સિરીઝની શરૂઆત ઇંગ્લૅન્ડે (England) લીડ્સમાં પ્રથમ ટેસ્ટ જીતીને કરી હતી, પણ હવે ભારત (India) શ્રેણીનું સમાપન ઓવલની છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી) આજકાલમાં જીતીને અને શ્રેણીને 2-2ની બરાબરીમાં લાવીને કરી શકે, પરંતુ એ પહેલાં આપણે ગઈ કાલે નોંધાયેલા કેટલાક રસપ્રદ આંકડા પર નજર કરી લઈએ. ભારતે ટી-20ના આજના જમાનામાં આ ટેસ્ટ શ્રેણીમાં ચોક્કા (Fours) અને છગ્ગા (Sixers)ની એવી રમઝટ બોલાવી કે વાત જ જવા દો. ટીમ ઇન્ડિયાએ બે મહિનાની અંદર 148 વર્ષ જૂની ટેસ્ટ ક્રિકેટનો નવો વિક્રમ રચી દીધો.
ચોક્કા અને છગ્ગા સંયુક્ત રીતે બાઉન્ડરીઝ તરીકે ઓળખાય છે અને એમાં હવે (ટેસ્ટમાં) ભારત વર્લ્ડ ચેમ્પિયન છે. ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝ (Test Series)માં ભારતીય બૅટ્સમેનોએ કુલ મળીને 422 ફોર અને 48 સિક્સર ફટકારી છે. આ બન્નેનો સરવાળો કરીએ તો ભારતના નામે એક ટેસ્ટ સિરીઝમાં કુલ 470 બાઉન્ડરીઝનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે.
અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાનો 460 બાઉન્ડરીઝ (1993માં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝમાં 451 ફોર અને 9 સિક્સર)નો વિશ્વ વિક્રમ હતો જે હવે તૂટી ગયો છે.
શનિવારે ઇંગ્લૅન્ડના ફીલ્ડર્સે ભારતીય બૅટ્સમેનોના કુલ છ કૅચ છોડ્યા હતા. એમાંથી ત્રણ જીવતદાન સેન્ચુરિયન ઓપનર યશસ્વી જયસ્વાલને મળ્યા હતા તેમ જ એક-એક જીવતદાન સાઈ સુદર્શન, આકાશ દીપ અને કરુણ નાયરને મળ્યું હતું.
ઇંગ્લૅન્ડની ટીમે ટેસ્ટના એક જ દાવમાં છ કૅચ છોડ્યા હોય એવું 2018ની સાલ પછી (છેલ્લા સાત વર્ષમાં) પહેલી વખત બન્યું છે. 2022માં ઇંગ્લૅન્ડે એજબૅસ્ટનમાં ભારત સામેની ટેસ્ટના એક દાવમાં 6 કૅચ છોડ્યા હતા. 2023માં વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટના એક દાવમાં પણ બ્રિટિશરોએ કિવીઓના 6 કૅચ ડ્રોપ કર્યા હતા.
આ પણ વાંચો…કે. એલ. રાહુલની વિકેટ બ્રિટિશ બોલર્સ માટે અપશુકનિયાળ છે કે શું? ત્રણ ઉદાહરણ ખૂબ રસપ્રદ છે