
મૅન્ચેસ્ટરઃ ભારતે અહીં ઇંગ્લૅન્ડ (England) સામેની ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે બૅટિંગ મળ્યા બાદ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટે 264 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજા 19 રને અને શાર્દુલ ઠાકુર પણ 19 રને નોટઆઉટ હતો. કરુણ નાયરના સ્થાને ફરી રમવાનો મોકો મેળવનાર સાઇ સુદર્શને (Sai SUDARSHAN) એક છેડો સાચવી રાખીને 151 બૉલમાં સાત ફોરની મદદથી 61 રન કર્યા હતા અને રમતની અંતિમ પળોમાં બેન સ્ટૉક્સના બૉલમાં કૅચઆઉટ થયો હતો.
એ પહેલાં, ભારત (India)નો સ્કોર ત્રણ વિકેટે 212 રન હતો ત્યારે રિષભ પંતને સર્જરીવાળા જમણા પગમાં ઈજા થઈ હતી જેને લીધે તે પોતાના 37 રનના સ્કોર પર રિટાયર હર્ટ થયો હતો. તેણે એ 37 રન 48 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી કર્યા હતા. તે ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સના યૉર્કરમાં રિવર્સ સ્વીપ શૉટ મારવા ગયો ત્યારે બૉલ તેને જમણા પગ પર વાગ્યો હતો. તેણે ત્રણ વર્ષ પહેલાં થયેલા કાર અકસ્માત બાદ જમણા પગના ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને હવે એ જ પગ પર તેને બૉલ જોરદાર વાગ્યો છે. તેને પગમાંથી લોહી નીકળ્યું હતું. તેને હળવી સારવાર અપાયા બાદ ઍમ્બ્યુલન્સ તરીકે જાણીતી ગૉલ્ફ કાર્ટમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. પંત ડાબા હાથની આંગળીમાં થયેલી ઈજા છતાં આ મૅચમાં રમ્યો છે.
દરમ્યાન, પેસ બોલર અંશુલ કંબોજ ભારતનો 318મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. તેને ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને તેમ જ શાર્દુલ ઠાકુરને ઈજાગ્રસ્ત નીતીશ રેડ્ડીના સ્થાને અને સાઇ સુદર્શનને કરુણ નાયરના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યા છે.
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં 1-2થી પાછળ રહ્યા બાદ મૅન્ચેસ્ટરમાં ભારતીય ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી. લંચના બ્રેક સુધીમાં ભારતના વિના વિકેટે 78 રન કર્યા હતા. કે. એલ. રાહુલે 98 બૉલમાં 46 રન કર્યા હતા અને ચાર રન માટે 19મી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. પેસ બોલર ક્રિસ વૉક્સે તેની બહુમૂલ્ય વિકેટ લીધી હતી. રાહુલે યશસ્વી સાથે 94 રનની ભાગીદારી કરી હતી. યશસ્વી જયસ્વાલ કરીઅરની 12મી હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો.
તે ઑલ્ડ ટ્રેફર્ડમાં હાફ સેન્ચુરી ફટકારનાર છેલ્લા 50 વર્ષનો પ્રથમ ભારતીય ઓપનર બન્યો હતો. તે પોતાના 107મા બૉલમાં 58 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. આઠ વર્ષે ટેસ્ટમાં કમબૅક કરનાર લેફ્ટ-હૅન્ડ સ્પિર લિઆમ ડૉસનના બૉલમાં યશસ્વી ફર્સ્ટ સ્લિપમાં બ્રૂકના હાથમાં કૅચઆઉટ થયો હતો. શુભમન ગિલ મેદાન પર આવ્યો ત્યારે અને તેણે પ્રથમ બૉલ રમવા માટે સ્ટાન્સ લીધું ત્યારે પ્રેક્ષકોના એક વર્ગમાંથી તેનો હુરિયો બોલાવાયો હતો. લૉર્ડ્સની ટેસ્ટમાં ગિલે બ્રિટિશ ઓપનરોની હરકતો સામે વિરોધ નોંધાવ્યો હતો.

કૅપ્ટન શુભમન ગિલ (12) સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેને હરીફ સુકાની બેન સ્ટૉક્સે એલબીડબ્લ્યૂ કર્યો હતો. તેની વિકેટ વખતે ભારતનો સ્કોર 3/140 હતો અને સાઇ સુદર્શન (24 રન) સાથે રિષભ પંત જોડાયો હતો જે છેવટે ઈજા પામ્યો હતો.