રાયબાકિનાએ નંબર-વન સબાલેન્કા સામે બદલો લીધો અને અધધધ…

આટલા રૂપિયાની વિક્રમજનક કમાણી કરી લીધી…
મેલબર્નઃ રશિયાના મોસ્કોમાં જન્મેલી કઝાખસ્તાનની મહિલા ટેનિસ ખેલાડી એલેના રાયબાકિનાએ શનિવારે અહીં ઑસ્ટ્રેલિયન ઓપન (AUSTRALIAN OPEN)ની સિંગલ્સની ફાઇનલમાં બેલારુસની વર્લ્ડ નંબર-વન અરીના સબાલેન્કાને 6-4, 4-6, 6-4થી હરાવીને 27 લાખ ડૉલર (24.75 કરોડ રૂપિયા)ની વિક્રમજનક ઇનામીરકમ જીતી લીધી હતી. એ સાથે, રાયબાકિનાએ સબાલેન્કા સામે 2023ની હારનો બદલો લેવાની સાથે પહેલી વખત આ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું. 2025માં વિજેતા મેડિસન કીઝને જેટલી ઇનામીરકમ મળી હતી એના કરતાં રાયબાકિનાને આ વખતે વધુ 6,00,000 ડૉલર (અંદાજે 5.50 કરોડ રૂપિયા) મળ્યા છે.
2023માં આ જ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સબાલેન્કા (SABALENKA)એ રાયબાકિના(RYBAKINA)ને હરાવીને પહેલી વખત ગૅ્રન્ડ સ્લૅમ વિજય માણ્યો હતો. જોકે શનિવારે એ જ સ્થળે રાયબાકિના સામે સબાલેન્કાએ પરાજય જોવો પડ્યો અને પહેલી વાર આ ચૅમ્પિયનશિપનો તાજ જીતી લીધો. રનર-અપ તરીકે સબાલેન્કાને 14 લાખ ડૉલર (12.84 કરોડ રૂપિયા)નું બીજા નંબરનું ઇનામ અપાયું હતું.

વર્લ્ડ નંબર-થ્રી રાયબાકિના આ અગાઉ માત્ર એક ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી. 2022ના વિમ્બલ્ડનના ખિતાબ પછી હવે તેની પાસે ઑસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી પણ આવી ગઈ છે. બન્નેની ફાઇનલ બે કલાક અને 18 મિનિટ સુધી ચાલી હતી. રાયબાકિના પાવરફુલ સર્વ માટે પ્રખ્યાત છે અને રૉડ લેવર અરીના ખાતે ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં તેણે એસ (પ્રથમ સર્વમાં જ પૉઇન્ટ મેળવવો)નું ફરી એક વાર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે વિજયની ઉજવણી શરૂ કરતાં પહેલાં એસથી ચૅમ્પિયનશિપ પૉઇન્ટ મેળવ્યો હતો.
સબાલેન્કા સતત ચોથી વખત ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી હતી અને લાગલગાટ બીજી વાર પરાજિત થઈ. તે 2023 તથા 2024માં અહીં ફાઇનલ જીતી હતી, પરંતુ 2025ની ફાઇનલમાં મેડિનસ કીઝ સામે હારી ગઈ હતી અને શનિવારે રાયબાકિનાએ તેને પરાજિત કરી. પ્રથમ સેટમાં રાયબાકિનાએ શરૂઆતથી તેના પર માનસિક દબાણ લાવીને તેને 6-4થી હરાવી હતી. બીજા સેટમાં સબાલેન્કા વધુ સ્ટ્રૉન્ગ પર્ફોર્મન્સ સાથે 6-4થી જીતી ગઈ હતી, પણ નિર્ણાયક સેટમાં રાયબાકિનાએ તેની સર્વિસ તોડતાં રહીને છેવટે એ સેટ પણ 6-4થી જીતી લીધો હતો.
મેન્સમાં રવિવારે નોવાક જૉકોવિચ અને કાર્લોસ અલ્કરાઝ વચ્ચે ટક્કર થશે. જૉકોવિચ પચીસમા ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં છે. અલ્કરાઝ પહેલી જ વખત ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે.



