ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ માટે આઠ ટીમ ક્વોલિફાય: શ્રીલંકા-નેધરલેન્ડ્સ ફેંકાયા બહાર
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ૪૫ મેચ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ પણ જાહેર થઇ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ તેની સાતમી હાર બાદ ૧૦માં સ્થાને છે. નોકઆઉટ રાઉન્ડની મેચો ૧૫ નવેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન બે સેમિફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે.
નોકઆઉટ રાઉન્ડ પહેલા ટીમ ઈન્ડિયાએ લીગ રાઉન્ડમાં તમામ નવ ટીમોને હરાવી હતી. ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. તે પછી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બંગલાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. સેમિફાઈનલમાં તેનો સામનો ૧૫ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. જ્યારે બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૬ નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
પોઈન્ટ ટેબલમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ ચારમાં રહી હતી. ચારેય સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટોપ-૬માં પણ જગ્યા બનાવી શક્યું નથી. તે સાતમા સ્થાને રહ્યું હતું. બંગલાદેશ આઠમા સ્થાને રહીને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે ક્વોલિફાય થયું. પોઈન્ટ ટેબલની ટોચની આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે.
આવી સ્થિતિમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને બંગલાદેશ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ ગયા છે.