બળાત્કારના આરોપીને કોચ બનાવીને ઘોડેસવારીના સ્પર્ધકો સાથે જોર્ડન મોકલવામાં આવ્યા!

નવી દિલ્હીઃ ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઑફ ઇન્ડિયા (EFI) વિવાદમાં ફસાયું છે, કારણકે એણે બળાત્કારના આરોપી અને ઇએફઆઇની એક્ઝિક્યૂટિવ કમિટીના મેમ્બર તરસેમ સિંહ વારૈચને ઘોડેસવારીના ભારતીય સ્પર્ધકોની ટીમ કોચ (Coach) તરીકે જોર્ડન મોકલ્યા છે.
ખેલકૂદ મંત્રાલયે કેટલીક માર્ગરેખાઓ ન અનુસરવા બદલ ઇએફઆઇને કારણદર્શક નોટિસ (Notice) મોકલી જ છે ત્યાં હવે બળાત્કારના આરોપીને કોચ તરીકે વિદેશ પ્રવાસે મોકલીને ફેડરેશને વધુ વિવાદ વહોરી લીધો છે.
જોર્ડનમાં 29-31 જાન્યુઆરી દરમ્યાન આયોજિત ઇન્ટરનૅશનલ ટેન્ટ પેગિંગ ફેડરેશન (આઇટીપીએફ) વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમાવાની છે અને એમાં ભારતીય સ્પર્ધકો ભાગ લેવાના છે જેમના કોચ ઉપરાંત મૅનેજર તરીકે તરસેમ સિંહ વારૈચને જોર્ડન મોકલ્યા છે. ટોચની બે ટીમ નવેમ્બરની ફાઇનલમાં રમશે.
તરસેમ વારૈચ નિવૃત્ત કર્નલ છે. બે મહિલાઓએ જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ તરસેમ વિરુદ્ધ કરી છે અને તેમની વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધાવાયો છે. એક જુનિયર રાઇડરના પિતાએ આઇટીપીએફને પત્રમાં વારૈચ વિશે લખ્યું છે કે ` આ વ્યક્તિ કે જેણે ગંભીર ગુનો કર્યો છે અને જે જામીન પર છે તેને દેશની બહાર કઈ રીતે મોકલી શકાય.
એ તો ઠીક, પણ દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી તેને સોંપાઈ છે એ વધુ આઘાતજનક બાબત છે.’ જોકે વારૈચે અગાઉ ખુલાસામાં કહ્યું હતું કે તેમની સામેના આક્ષેપો ઉપજાવી કાઢેલા છે અને અદાલતે તેમને કોઈ પણ પ્રકારની સત્તાવાર ફરજ બજાવવાની મનાઈ નથી કરી.



