અગાઉ કોઈ પણ સંજોગોમાં ભારત-પાકિસ્તાનના કૅપ્ટન હાથ મિલાવતા જ હતાઃ સલમાન આગા

દુબઈઃ પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સલમાન આગાએ ભારત સામેના રવિવારના ફાઇનલ-જંગ પહેલાં શનિવારે પત્રકારો સાથેની ચર્ચા દરમ્યાન પોતાના ફાસ્ટ બોલર હારિસ રઉફ (Haris rauf)ની 21મી સપ્ટેમ્બરની ભારત સામેની મૅચ દરમ્યાનની મેદાન પરની ઍક્શનની તરફેણ કરી હતી. આગાએ કહ્યું, ` દરેક વ્યક્તિને પોતાના ભાવ વ્યક્ત કરવાનો હક છે. ફાસ્ટ બોલરને જો તેના અંદરનો ભાવ બહાર લાવતો રોકીએ તો પછી તેનામાં બાકી રહે જ શું? હું કોઈ પણ વ્યક્તિને તેની ટિપ્પણી જો અપમાનજનક ન હોય તો એ વ્યક્ત કરતા રોકતો જ નથી.’
રઉફ 21મી સપ્ટેમ્બરની મૅચ દરમ્યાન બાઉન્ડરી લાઇનની નજીક ઊભો હતો ત્યારે તેણે ભારતના છ લડાયક વિમાનો પાકિસ્તાને તોડી પાડ્યા હતા એવો સંકેત આપ્યો હતો. હકીકતમાં ભારતનું એક પણ ફાઇટર જેટ પાકિસ્તાન તોડી નહોતું શક્યું. ઊલટાનું, ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના હવાઈ મથકોનો ખુરદો બોલવ્યો હતો.
14મી સપ્ટેમ્બરે ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ વખતે પાકિસ્તાનના સુકાની સલમાન આગા (Salman agha) સાથે હાથ નહોતા મિલાવ્યા અને મૅચ પછી પાકિસ્તાનના પ્લેયર્સ સાથે ભારતીય ખેલાડીઓએ હાથ નહોતા મિલાવ્યા એટલે પાકિસ્તાનને માઠું લાગ્યું છે અને ક્રિકેટ જગતમાં ગોકીરો બોલાવ્યો છે. 21મી સપ્ટેમ્બરની બીજી મૅચમાં પણ ભારતીયોએ તેમની સાથે હાથ નહોતા મિલાવ્યા.
સલમાન આગાએ કહ્યું, ` મેં 2007માં અન્ડર-16 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારથી માંડીને આ ટૂર્નામેન્ટના આરંભ સુધીમાં મેં ક્યારેય કોઈ મૅચ એવી નહોતી જોઈ કે જેમાં બન્ને ટીમના કૅપ્ટને અને બન્ને ટીમના ખેલાડીઓએ એકમેક સાથે હાથ ન મિલાવ્યા હોય. દરેક મૅચમાં હરીફો હાથ મિલાવતા જ હોય. ભૂતકાળમાં કપરામાં કપરા સંજોગોમાં પણ ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવાનું નહોતા ચૂકતા. આ મેં મારી નજરે જોયું છે.’
સલમાન આગાએ એવું પણ જણાવ્યું હતું કે ` ભારત-પાકિસ્તાન મૅચમાં ખૂબ પ્રેશરની સ્થિતિ રહેતી હોય છે. અમે ઘણી બધી ભૂલો કરી હતી એટલે તેમની સામે આ ટૂર્નામેન્ટમાં બન્ને મૅચ હારી ગયા.’