રણજી ટ્રોફી જીતનાર ટીમના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા અને બીએમડબ્લ્યૂ કારના ઇનામની ઑફર

હૈદરાબાદ: ક્રિકેટ હવે થોડા વર્ષોથી પૈસાનો ખેલ થઈ ગઈ છે. આઇપીએલમાં મોટા ભાગના પ્લેયરો એક સીઝન રમવાના કરોડો રૂપિયા કમાય છે તેમ જ મૉડલિંગથી અને આંતરરાષ્ટ્રીય મૅચો રમીને પણ બીજી ધીકતી કમાણી કરી લેતા હોય છે.
ખેલાડીઓને નવા-નવા પ્રકારે ઇનામની ઑફર થતી હોય છે. હૈદરાબાદે મેઘાલયને રણજી ટ્રોફી 2023-’24ના પ્લેટ ગ્રૂપની ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવ્યું છે. તિલક વર્માના સુકાનવાળી હૈદરાબાદની ટીમ વતી નીતેશ રેડ્ડી અને પ્રજ્ઞય રેડ્ડીએ સેન્ચુરી ફટકારી હતી. દરમ્યાન હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ જગન મોહન રાવે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે જો હૈદરાબાદની ટીમ આગામી ત્રણ વર્ષ દરમ્યાન રણજી ટ્રોફી જીતશે તો એ વિજેતા ટીમના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા અને એક બીએમડબ્લ્યૂ કાર આપવામાં આવશે.
તેમની આ ઘોષણા વાયરલ થઈ છે. આ પોસ્ટમાં સચિન તેન્ડુલકર અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને પણ ટૅગ કરવામાં આવ્યા છે.