દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ-વેસ્ટ અને સાઉથ-નોર્થ વચ્ચે સેમિ ફાઇનલ
આયુષ બદોનીની ડબલ સેન્ચુરી, પણ અંકિત બે રન માટે ડબલ ચૂક્યો

બેંગલૂરુઃ અહીં દુલીપ ટ્રોફી (Duleep trophy)માં રવિવારે બન્ને ક્વૉર્ટર ફાઇનલ (Quarter final) ડ્રૉમાં પરિણમી હતી, પરંતુ પ્રથમ દાવની સરસાઈને આધારે નોર્થ ઝોને ઈસ્ટ ઝોનને અને સેન્ટ્રલ ઝોને નોર્થ ઈસ્ટ ઝોનને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
હવે ચોથી સપ્ટેમ્બરે શરૂ થનારી પ્રથમ સેમિમાં સેન્ટ્રલ ઝોનનો વેસ્ટ ઝોન સામે અને સાઉથ ઝોનનો નોર્થ ઝોન સામે મુકાબલો થશે.
રવિવારે ઈસ્ટ સામેની ક્વૉર્ટરમાં નોર્થનો આયુષ બદોની (204 અણનમ) ડબલ સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો હતો, પણ કૅપ્ટન અંકિત કુમાર (198 રન) મુખ્તાર હુસેનના બૉલમાં કૅચઆઉટ થતાં બે રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. યશ ધુલે 133 રન કર્યા હતા અને મૅચને અંતે નોર્થ ઝોનનો બીજા દાવનો સ્કોર 658/4 ડિક્લેર્ડ હતો.
બીજી ક્વૉર્ટરમાં મૅચને અંતે 679 રનના તોતિંગ લક્ષ્યાંક સામે નોર્થ ઈસ્ટ ઝોનના છ વિકેટે 200 રન હતા. સેન્ટ્રલ ઝોનના આદિત્ય ઠાકરે, હર્ષ દુબે તથા શુભમ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. જો સેન્ટ્રલને થોડો વધુ સમય મળ્યો હોત તો એણે 400-પ્લસ રનના માર્જિનથી વિજય મેળવ્યો હોત.
આ પણ વાંચો…દુલીપ ટ્રોફીમાં ગિલ-જુરેલ ન રમી શક્યા, શમીને મહા મહેનતે એક વિકેટ મળી