દુલીપ ટ્રોફીમાં કયા બે કૅપ્ટનની ટીમે કર્યો વિજયીઆરંભ? કોની બે ટીમ હારી?
રિષભ પંતે નિર્ણાયક દિવસે પાંચ કૅચ પકડ્યા
બેન્ગલૂરુ/અનંતપુર: ભારત ટેસ્ટ-ક્રિકેટના તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપના પોઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે અને ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝ પર સૌની નજર રહેવાની છે. એ શ્રેણીઓની પૂર્વતૈયારી માટે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ભારતીય ખેલાડીઓ માટે ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે અને આ ટૂર્નામેન્ટના આરંભમાં રમાયેલી બન્ને મૅચના પરિણામો પર નજર કરીએ તો શનિવારે ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સી ટીમ અને રવિવારે અભિમન્યુ ઈશ્ર્વરનની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-બી ટીમનો વિજય થયો હતો. તેમની સામે અનુક્રમે શ્રેયસ ઐયરની ઇન્ડિયા-ડી ટીમ અને શુભમન ગિલની ઇન્ડિયા-એ ટીમના પરાજય થયા હતા.
શનિવારે ઇન્ડિયા-સીના માનવ સુથારનો સાત વિકેટનો પર્ફોર્મન્સ અને રવિવારે ઇન્ડિયા-બીના વિકેટકીપર રિષભ પંતના પાંચ કૅચ આ મૅચના બે મોટા આકર્ષણ હતા.
શનિવારે અનંતપુરમાં ગાયકવાડની ઇન્ડિયા-સીને જીતવા 233 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ચાર બૅટરના સાધારણ છતાં ઉપયોગી પર્ફોર્મન્સથી આ ટીમે છ વિકેટે 233 રન બનાવીને ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. આર્યન જુયેલે 47 રન, ખુદ કૅપ્ટન ગાયકવાડે 46 રન, રજત પાટીદારે 44 રન અને વિકેટકીપર અભિષેક પોરેલે અણનમ 35 રન બનાવ્યા હતા. માનવ સુથાર 19 રને અણનમ રહ્યો હતો. સ્પિનર સારાંશ જૈને ચાર વિકેટ લીધી હતી, પણ બીજો સ્પિનર અક્ષર પટેલ ફક્ત એક વિકેટ લઈ શક્યો હતો. પેસ બોલર હર્ષિત રાણાને વિકેટ નહોતી મળી. એકંદરે, ઇન્ડિયા-ડીના બોલર્સ નિષ્ફળ રહ્યા હતા.
રાજસ્થાનના બાવીસ વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે પહેલા દાવમાં ઇન્ડિયા-ડીની ફક્ત એક વિકેટ લીધી હતી, પરંતુ શનિવારે તેણે 49 રનમાં સાત વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. તેણે ખાસ કરીને દેવદત્ત પડિક્કલ, અક્ષર પટેલ, રિકી ભુઈ અને શ્રીકાર ભરતની વિકેટ લીધી હતી. માનવને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
બેન્ગલૂરુમાં રવિવારે ગિલના સુકાનમાં ઇન્ડિયા-એ ટીમે જીતવા 275 રન બનાવવાના હતા, પરંતુ ઇન્ડિયા-બીના કૅપ્ટન ઈશ્ર્વરને કુલ આઠ બોલરના આક્રમણ સાથે ગિલની ટીમને પ્રેશરમાં લાવી દીધી હતી. આઠ બોલરમાં યશ દયાલે ત્રણ તેમ જ મુકેશ કુમાર અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીને એક-એક વિકેટ મળી હતી. ઇન્ડિયા-એ ટીમ 198 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઇન્ડિયા-બીનો 76 રનથી વિજય થયો હતો.
પ્રથમ દાવમાં 181 રન બનાવીને જીતનો પાયો નાખનાર મુશીર ખાનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.