દુલીપ ટ્રોફીમાં ગિલ-જુરેલ ન રમી શક્યા, શમીને મહા મહેનતે એક વિકેટ મળી

બેંગલૂરુઃ અહીં ગુરુવારે દુલીપ ટ્રોફી (Duleep trophy) ટૂર્નામેન્ટમાં ચાર દિવસીય ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થયો હતો જેમાં નોર્થ ઝોન તથા ઈસ્ટ ઝોન વચ્ચે અને સેન્ટ્રલ ઝોન તથા નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચે શરૂ થયેલા મુકાબલા રોમાંચક રહ્યા હતા, પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે નોર્થ ઝોનનો કૅપ્ટન શુભમન ગિલ ફ્લૂને કારણે આ મૅચમાં નથી રમ્યો અને સેન્ટ્રલ ઝોનનો સુકાની ધ્રુવ જુરેલ ઈજાને લીધે નથી રમી રહ્યો.
ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનની આ પહેલી જ સ્પર્ધા છે જેમાં નોર્થ ઝોન સામે ઈસ્ટ ઝોનના મુખ્ય બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને ફિટનેસ સાબિત કરવા માટેની આ મૅચમાં એક વિકેટ ભારે સંઘર્ષ બાદ મળી હતી. શમી (17-4-55-1) છેક ચોથા સ્પેલમાં સાહિલ લોત્રા (19 રન) નામના ખેલાડીને કૅચઆઉટ કરી શક્યો હતો. એ પહેલાં, શમીના એક બૉલમાં હરીફ ટીમના કનૈયા વાધવાનને જીવતદાન મળ્યું હતું.
આપણ વાંચો: મયંક અગ્રવાલની કેપ્ટનશિપમાં ઇન્ડિયા-એની ટીમે જીતી દુલીપ ટ્રોફી 2024, ઇન્ડિયા-સીને 132 રનથી હરાવ્યું
કઈ ક્વૉર્ટર ફાઇનલમાં શું બન્યું
ઈસ્ટ ઝોન સામે નોર્થ ઝોને ચાર દિવસની મૅચમાં પહેલા દિવસે છ વિકેટે 308 રન કર્યા હતા જેમાં આયુષ બદોનીના 63 રન, નિશાંત સિંધુના 47 રન અને કનૈયા વાધવાનના 42 રન સામેલ હતા. ઈસ્ટ ઝોનના માનિશી નામના બોલરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ શમી સહિત ત્રણ બોલરને એક-એક વિકેટ મળી હતી. રિયાન પરાગ ઈસ્ટ ઝોનની ટીમનો કૅપ્ટન છે, જ્યારે અંકિત કુમાર નોર્થ ઝોનનો સુકાની છે.
આપણ વાંચો: BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે જાહેર કરી ટીમો…
નોર્થ ઈસ્ટ ઝોન સામે સેન્ટ્રલ ઝોને પહેલા દિવસની રમતના અંત સુધીમાં માત્ર બે વિકેટે 432 રન કર્યા હતા. ડેનિશ માલેવાર (198 નૉટઆઉટ, 219 બૉલ, એક સિક્સર, 35 ફોર) નામનો વિદર્ભનો 21 વર્ષીય બૅટ્સમૅન દુલીપ ટ્રોફીના પ્રથમ દિવસનો હીરો હતો. તેની અને આઇપીએલમાં આરસીબીના ચૅમ્પિયન કૅપ્ટન રજત પાટીદાર (125 રન, 96 બૉલ, ત્રણ સિક્સર, 21 ફોર) વચ્ચે બીજી વિકેટ માટે મોટી ભાગીદારી થઈ હતી. બન્નેએ મળીને કુલ ચાર છગ્ગા તથા 56 ચોક્કા ફટકાર્યા હતા. ઓપનર આર્યન જુયલ (60 નૉટઆઉટ) પેટમાં બૉલ વાગતાં રિટાયર હર્ટ થયો હતો અને ત્યારે માલેવાર સાથે પાટીદાર જોડાયો હતો. બન્ને વચ્ચે 28 ઓવરમાં બીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી થઈ હતી. નોર્થ ઈસ્ટના રૉન્ગસેન જોનથન નામના સ્પિનરની 15 ઓવરમાં કુલ 130 રન થયા હતા. તેનો ઓવરદીઠ ઇકોનોમી રેટ 8.66 જેટલો ખરાબ હતો.