દુલીપ ટ્રોફીઃ દક્ષિણ ઝોનના અંકિત-સિદ્ધાર્થની લડત છતાં મધ્ય ઝોન જીતવાની તૈયારીમાં | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

દુલીપ ટ્રોફીઃ દક્ષિણ ઝોનના અંકિત-સિદ્ધાર્થની લડત છતાં મધ્ય ઝોન જીતવાની તૈયારીમાં

બેંગલૂરુઃ મહાન ક્રિકેટર દુલીપસિંહજીના નામે રમાતી દુલીપ ટ્રોફી (Duleep Trophy)ની પાંચ-દિવસીય ફાઇનલમાં ગુરુવારના પ્રથમ દિવસે દક્ષિણ ઝોનની ટીમ પહેલા દાવમાં ફક્ત 149 રનમાં આઉટ થઈ ગઈ એ એને હવે ભારે પડી રહ્યું છે, કારણકે રવિવારે ચોથા દિવસે બીજા દાવમાં મધ્ય ઝોન (Central Zone)ને દક્ષિણ ઝોને (South Zone) જે ટક્કર આપી એ જોતાં આ મુકાબલો જીતવા માટે દક્ષિણની ટીમ વધુ લાયક કહી શકાય.

જોકે હવે બહુ મોડું થઈ ગયું કહી શકાય. કારણ એ છે કે રવિવારે દક્ષિણ ઝોનની ટીમ 426 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં મધ્ય ઝોનને જીતવા માત્ર 65 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેઓ સોમવારના આખરી દિને પહેલા સત્રમાં જ મેળવી શકશે.

આપણ વાંચો: દુલીપ ટ્રોફી ફાઇનલઃ પાટીદાર, રાઠોડની સેન્ચુરીએ મધ્ય ઝોનને મજબૂત સ્થિતિમાં લાવી દીધું

દક્ષિણ ઝોનના અંકિત શર્મા (99 રન, 168 બૉલ, એક સિક્સર, 13 ફોર)એ રજત પાટીદારના સુકાનમાં રમી રહેલી મધ્ય ઝોનની ટીમને જોરદાર લડત આપી હતી, પરંતુ તે 99 રનના પોતાના સ્કોર પર કુમાર કાર્તિકેય (110 રનમાં ચાર વિકેટ)ના બૉલમાં મિડવિકેટ પર ઊભેલા પાટીદારને કૅચ આપી બેઠો હતો.

તેની અને સી. આન્દ્રે સિદ્ધાર્થ (84 અણનમ, 190 બૉલ, સાત ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 192 રનની ભાગીદારી થઈ હતી. જોકે અંકિત તથા સિદ્ધાર્થ તેમ જ એ પહેલાં રવિચન્દ્રન સ્મરન (67 રન, 118 બૉલ, એક સિક્સર, સાત ફોર)ની હાફ સેન્ચુરી દક્ષિણ ઝોનને મજબૂત સ્થિતિ નહોતી અપાવી શકી. રિકી ભુઈના 45 રન પણ એળે જઈ રહ્યા છે.

આપણ વાંચો: સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં

મધ્ય ઝોનના કાર્તિકેઇ ઉપરાંત સારાંશ જૈને પણ બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો. તેણે ત્રણ વિકેટ લીધી હતી. એક-એક વિકેટ પેસ બોલર્સ દીપક ચાહર અને કુલદીપ સેને લીધી હતી.

પ્રથમ દાવમાં દક્ષિણ ઝોનના 149 રન બાદ મધ્ય ઝોને યશ રાઠોડના 194 રન અને કૅપ્ટન રજત પાટીદારના 101 રન, સારાંશ જૈનના 69 રન અને ઓપનર ડેનિશ માલેવારના 53 રનની મદદથી 511 રન કર્યા હતા અને 362 રનની તોતિંગ સરસાઈ લીધી હતી જેનો મધ્ય ઝોનને હવે ફાયદો મળી રહ્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button