દુલીપ ટ્રોફી ફાઇનલઃ પાટીદાર, રાઠોડની સેન્ચુરીએ મધ્ય ઝોનને મજબૂત સ્થિતિમાં લાવી દીધું

બેંગલૂરુઃ અહીં બીસીસીઆઇના મેદાન પર દક્ષિણ ઝોન સામે રમાતી પાંચ દિવસીય દુલીપ ટ્રોફી (Duleep trophy) ફાઇનલમાં આઇપીએલ-2025ના ચૅમ્પિયન કૅપ્ટન રજત પાટીદાર (101 રન, 115 બૉલ, બે સિક્સર, બાર ફોર) અને નાગપુરમાં જન્મેલા યશ રાઠોડ (137 નૉટઆઉટ, 188 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની સેન્ચુરી તથા ચોથી વિકેટ માટેની તેમની 167 રનની ભાગીદારીને લીધે મધ્ય ઝોનની ટીમે આ મૅચ પર મજબૂત પકડ મેળવી લીધી હતી.
બીજા દિવસની રમતને અંતે મધ્ય ઝોનનો પ્રથમ દાવનો સ્કોર પાંચ વિકેટે 384 રન હતો અને અત્યારથી જ પાટીદાર (PATIDAR)ની ટીમે 235 રનની સરસાઈ લઈ લીધી હતી.
યશ રાઠોડ (Yash Rathod)ની સાથે ઑલરાઉન્ડર સારાંશ જૈન 47 રને રમી રહ્યો હતો. દક્ષિણ ઝોનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
દક્ષિણ ઝોને પહેલા દાવમાં માત્ર 149 રન બનાવ્યા હતા. મધ્ય ઝોનના સારાંશ જૈને પાંચ અને કુમાર કાર્તિકેયે ચાર વિકેટ મેળવી હતી.