સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડમાં ડ્યૂક્સ બૉલની બબાલઃ પંત અને સ્ટૉકસના સનસનાટીભર્યા નિવેદનો

લંડનઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં પાંચ મૅચવાળી સિરીઝમાં બન્ને દેશ 1-1ની બરાબરીમાં રહ્યા બાદ આજે લૉર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થઈ રહી છે અને એ પહેલાં આ શ્રેણીમાં વપરાતા ડયૂક્સ બૉલ (Dukes ball)ને લગતી અભૂતપૂર્વ બબાલ શરૂ થઈ છે.

ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન અને વિકેટકીપર રિષભ પંતે (Rishabh Pant) ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં વપરાતા ડ્યૂક્સ બૉલ વિશે સનસનાટીભરી ટિપ્પણી કરી છે. વિકેટકીપર પંતે બ્રિટિશરોના ડ્યૂક્સ બૉલની ગુણવત્તાની ટીકા કરતા કહ્યું છે કે `ટેસ્ટ માટેના લાલ લેધર બૉલનો આકાર બદલાઈ જતો મેં અગાઉ ક્યારેય નહોતો જોયો. આ ક્વૉલિટીના બૉલ મોટી સમસ્યા બની ગયા છે જે ક્રિકેટના હિતમાં નથી. ખરેખર, આ બહુ મોટો પ્રૉબ્લેમ છે. બૉલનો આકાર જ બદલાઈ જાય છે. એ સૉફટ થઈ જાય છે. આવું તે કંઈ હોય? મેં અગાઉ આવું ક્યારેય નથી જોયું.’

બેન સ્ટોકસે શું કહ્યું?

ઇંગ્લૅન્ડના સુકાની બેન સ્ટૉકસે (Ben Stokes) પણ પંતની બૉલ વિશેની ફરિયાદમાં તેનો સાથ પુરાવતાં પત્રકારોને કહ્યું, ‘ ડયૂક્સ બૉલની સમસ્યા છે તો ખરી જ. જયારે પણ અહીં કોઈ વિદેશી ટીમ રમવા આવે ત્યારે બૉલ સૉફટ થઈ જવાની કે એનો આકાર બદલાઈ જવા સહિતની સમસ્યા ઊભી થઈ જાય છે. માત્ર પ્રવાસી ટીમ જ નહીં, બોલિંગ કરતી દરેક ટીમ ડયૂક્સ બૉલ વિશે ફરિયાદ કરતી હોય છે. મને તો શંકા છે કે આ બૉલને માપવા વપરાતા ગેજ (માપક)ની બે રિંગ ડયૂક્સ રિંગ નહીં હોય.’

પંતે ફરિયાદમાં આ પણ કહ્યું…

વર્તમાન શ્રેણીમાં બૉલનો આકાર બદલાઈ જવાની ફરિયાદને લઈને વારંવાર ખેલાડીઓ અમ્પાયર (umpire) પાસે જતા જોવા મળ્યા છે. પંતે પત્રકારોને સંબોધતા કહ્યું, `ખેલાડીઓ ખૂબ પરેશાન છે. બૉલમાં ગમે ત્યારે ફેરફાર જોવા મળે છે. ક્યારેક સૉફ્ટ લાગવા માંડે અને ક્યારેક બીજું કઈંક થઈ જાય. આકાર બદલાઈ જાય એવું તો ન જ થવું જોઈએને! બૅટિંગમાં હોઈએ ત્યારે એવા બૉલને રમવામાં બહુ ઍડજસ્ટમેન્ટ કરતા રહેવું પડે છે.’

Image credit: Indian Express

બૉલ કેવી રીતે તપાસાય છે?

બૉલનો આકાર પરફેક્ટ છે કે નહીં એ માપવા અમ્પાયર એક પ્રકારના સાધનનો ઉપયોગ કરે છે. ગેજ તરીકે ઓળખાતા એ માપકમાં બે રિંગ હોય છે જેમાં બૉલ રાખીને અમ્પાયર બૉલનો આકાર માપે છે. બૉલ એક રિંગમાંથી બરાબર પસાર થઈ જાય તો એ બૉલ ઠીક કહેવાય છે. જો સરખો પસાર ન થાય તો એ બૉલ ‘આઉટ ઑફ શેપ’ ગણાય છે. જોકે નવો બૉલ ખૂબ જલ્દી સોફ્ટ થઈ ગયો કે એની સીમ (દોરી) ઢીલી થઈ ગઈ એવી વારંવાર ફરિયાદ કરવા છતાં અમ્પાયર ખેલાડીઓની ફરિયાદ નકારતા આ શ્રેણીમાં જોવા મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમ્પાયરોને બૉલ ઠીક જ લાગતા હોય છે. બન્ને ટીમના પ્લેયર્સ આ સમસ્યાથી ખૂબ પરેશાન છે.

પંત સાચો હતો છતાં ઠપકો

લીડસની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એક તબક્કે રિષભ પંત આવા જ એક ખરાબ બૉલની ફરિયાદ લઈને અમ્પાયર પાસે ગયો ત્યારે તેની ફરિયાદ અમ્પાયરે ફગાવતાં પંત ગુસ્સે થયો હતો અને બૉલ જમીન પર પછાડ્યો હતો. પંતને આ વર્તન બદલ મૅચ રેફરીએ ઠપકો આપવા ઉપરાંત તેના નામે એક ડીમેરિટ પોઇન્ટ લખ્યો હતો.

અડધી સિરીઝ ખામીવાળા બૉલથી રમાઈ!

નવાઈની વાત એ છે કે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ આવી ગયો (અડધી સિરીઝ થઈ ગઈ) ત્યાં સુધી અમ્પાયરોને કે મૅચ રેફરી રિચી રિચર્ડ્સનને કે શ્રેણીના બ્રિટિશ આયોજકો ડયૂક્સ બૉલને લગતી સમસ્યાનો ઉકેલ નથી લાવી શક્યા.

ડયૂક્સ કરતાં કૂકાબૂરા બૉલ સારા

ઑસ્ટ્રેલિયામાં વપરાતા કૂકાબૂરા બૉલ વિશે ક્યારેય આવી સમસ્યા નથી સંભળાઈ.

ડ્યૂક્સ બૉલના ભારતીય ઉત્પાદક શું કહે છે…

ભારતીય મૂળના દિલીપ જાગજોડિયા ડ્યૂક્સ ક્રિકેટ બૉલના ઉત્પાદક છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘ ડ્યુકસ બૉલ હોય કે પછી કૂકાબૂરા કે એસ.જી., દરેક બૉલ વિશે ટીકા તો થતી જ રહેતી હોય છે. ડયૂક્સ બૉલ સૉફ્ટ હોવાની ફરિયાદ છે. અમે જો ડયૂક્સ બૉલને વધુ સખત બનાવ્યા હોત તો બૅટ્સમેનના બૅટ જ તૂટી ગયા હોત.’

આ પણ વાંચો…બ્રૂકે છીનવી લીધી રૂટની નંબર-વન રૅન્ક, ગિલની 15 ક્રમની ઊંચી છલાંગ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button