અમદાવાદઃ આવતીકાલનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. આ ક્રિકેટ મેચને ધ્યાનમાં લઈને જ રાજ્યના પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મેચને લઈને કરવામાં આવેલી જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા વિશેની માહિતી આપી હતી.
પોલીસના વડાએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે વિશેષ સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે પોલીસ ખાતા દ્વારા 5 અલગ અલગ પ્રકારની સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે.’
આવો જોઈએ કઈ છે આ પાંચ પ્રકારની સુરક્ષાવ્યવસ્થા-
- સ્ટેડિયમ અને મેચ જોવા આવનારા પ્રેક્ષકોની સુરક્ષાની વ્યવસ્થા
- મેચને કારણે પાર્કિંગ અને ટ્રાફિકમાં કરવામાં આવેલા ફેરફાર
- બંને ટીમના ખેલાડીઓ અને તેમની સાથેના સ્ટાફની વ્યવસ્થા
- કોઈ અસામાજિક તત્વો દ્વારા મેચ દરમિયાન કોઈપણ પ્રકારને ભીડનો ફાયદો ના ઉઠાવે તે માટેની વ્યવસ્થા
- ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા
ભારત-પાક વચ્ચે રમાનારી આ મેચ માટે કરવામાં આવેલી સુરક્ષાવ્યવસ્થામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે. જેમાં NSG, NDRF, SOG, RAFની ટીમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા અંગે પૂરતી સૂચના આપવામાં આવી છે. પ્રાઇવેટ વાહનો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં લોકો પરિવહન માટે મેટ્રોનો ઉપયોગ કરે તેવી અપીલ પણ રાજ્યના પોલીસ વડાએ કરી હતી. મેચ પૂરી થયા બાદ વિજય સરઘસ માટે સિટી પોલીસને પરિસ્થિતિનો તાગ મેળવીને મંજૂરી આપવા જણાવ્યું છે. વાહનવ્યવહારમાં કોઈ અડચણ ના થાય અને અસામાજિક તત્ત્વો કોઈ ફાયદો ન ઉઠાવે તે મુજબ પગલાં લેવાની સૂચના આપી છે. બોગસ ટિકિટના 2 કેસ અમદાવાદમાં નોંધાયા છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.