સ્પોર્ટસ

દ્રવિડ રાજસ્થાનનો હેડ-કોચ બનશે? સંગકારા ઇંગ્લૅન્ડની ટીમને કોચિંગ આપશે?

નવી દિલ્હી: ભારતનો બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડ દસેક વર્ષ પહેલાં રાજસ્થાન રૉયલ્સનો મેન્ટર હતો અને પછી બીસીસીઆઇના સેટ-અપમાં આવતાં પહેલાં રાજસ્થાનની ટીમનો કોચ બન્યો હતો. જોકે હવે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ અપાવી દેવાની સાથે તેણે હેડ-કોચના હોદ્દાને ગુડબાય કરી છે, પરંતુ એવું મનાય છે કે તે ફરી રાજસ્થાન રૉયલ્સના કોચિંગના સેટ-અપમાં આવી રહ્યો છે.

ક્રિકેટની એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ કુમાર સંગકારા રાજસ્થાન રૉયલ્સને ગુડબાય કરી રહ્યો હોવાથી તેનું સ્થાન લેવાની ઑફર દ્રવિડને કરવામાં આવી છે અને કદાચ તે સ્વીકારી લેશે એવું મનાય છે.
સંગકારા 2021ની સાલથી રાજસ્થાન રૉયલ્સનો ડિરેકટર ઑફ ક્રિકેટ છે. જોકે મૅથ્યૂ મૉટે ઇંગ્લૅન્ડની વ્હાઇટ-બૉલ ક્રિકેટની ટીમ છોડી દીધી હોવાથી ઇંગ્લૅન્ડનું ક્રિકેટ બોર્ડ સંગકારાને જ નવો હેડ-કોચ બનાવવા ઇચ્છે છે.

તાજેતરમાં સંગકારાને ઇંગ્લૅન્ડનો હેડ-કોચ બનવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં ‘ના’ નહોતું કહ્યું અને જણાવ્યું હતું કે ‘હું જાણું છું કે ઇંગ્લૅન્ડની ટીમ સાથે મારું નામ જોડવામાં આવી રહ્યું છે. જોકે હજી સુધી મારો સીધો સંપર્ક નથી કરવામાં આવ્યો. હા, બીજા ઘણા સારા ઉમેદવારો પણ છે.’
સંગકારાના ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના ડિરેકટર રોબર્ટ કી સાથે બહુ સારા સંબંધો છે અને રાજસ્થાન રૉયલ્સમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલર સાથે પણ તેનો (સંગકારાનો) સારો તાલમેલ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button