સ્પોર્ટસ

ડબલ સેન્ચુરિયન યશસ્વીનો જૂનો વીડિયો વાયરલ થયો, ‘ટેન્શન નહીં લેને કા અપુન હૈ ના…

વિશાખાપટ્ટનમ: બાવીસ વર્ષના ઓપનર યશસ્વી જયસ્વાલે અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે બીજી સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં ફેરવી એ પછી તેનો જૂનો વીડિયો વાયરલ થયો એના પરથી યશસ્વીના ઑફ ધ ફીલ્ડ કરતબ પણ જોવા મળ્યા.

મૂળ ઉત્તર પ્રદેશનો અને નાનપણથી મુંબઈમાં રહેતો યશસ્વી મેદાન પર તો હરીફ ટીમના બોલરોને હંફાવતો અને નચાવતો હોય છે, મેદાનની બહાર તે ખુદ ડાન્સ કરવામાં માહિર છે. તેણે ડબલ સેન્ચુરી પૂરી કરી કે થોડી જ વારમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેના ડાન્સનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

https://twitter.com/i/status/1753642178457563316

આઇપીએલ દરમ્યાન એક મૅચ બાદ યશસ્વી બૉલીવૂડની ‘ટેન્શન નહીં લેને કા અપુન હૈ ના…’ની લોકપ્રિય ધૂન પર ખૂબ નાચ્યો હતો અને સીએસકેએ શનિવારે તેની ડબલ સેન્ચુરી બાદ (ખરા સમયે) એ વીડિયોને ફરી શૅર કર્યો હતો અને એને કૅપ્શન આપી હતી, ‘200ની ક્લબમાં આવી ગયો એનું સેલિબ્રેશન જ સમજી લો…’

યશસ્વીની આ છઠ્ઠી જ ટેસ્ટ છે અને એમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામેના 171 રન બાદ હવે ઇંગ્લૅન્ડ સામેના પ્રથમ ટેસ્ટના 80 રન અને હવે 209 રનની યાદગાર ઇનિંગ્સને કારણે ટેસ્ટ જગતમાં છવાઈ ગયો છે. સાત સિક્સર અને ઓગણીસ ફોર ફટકારીને તેણે પ્રેક્ષકોને મન ભરીને મનોરંજન પૂરું પાડ્યું હતું. આખી ભારતીય બૅટિંગ લાઇન-અપમાં બીજું કંઈ જ નહોતું. યશસ્વીએ એકલા હાથે બ્રિટિશ બોલરોની ખબર લઈ નાખી હતી અને ભારતને પ્રથમ દાવમાં 396 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો. સિક્સર અને ફોર સાથે ડબલ સેન્ચુરી પૂરી કરીને યશસ્વીએ ઇંગ્લૅન્ડને જ નહીં, પણ આખા ક્રિકેટવિશ્ર્વને બતાડી દીધું કે પ્રેશર ગેમમાં મોટા માઇલસ્ટોનની નજીક પહોંચ્યા પછી પણ પોતે કેવી હિંમત બતાવી શકે છે!

જોકે યશસ્વી 209 રનના તેના સ્કોર પર પીઢ બોલર જેમ્સ ઍન્ડરસનના બૉલમાં ઉતાવળે શૉટ મારવા જતાં એક્સ્ટ્રા-કવર પર જૉની બેરસ્ટૉના હાથમાં કૅચ આપી બેઠો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button