મેં હમણાં સાંભળ્યું કે ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છેઃ ટ્રમ્પ…

પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે યુએસએની ટીમને શુભેચ્છા પાઠવી
ન્યૂ યૉર્કઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે (Trump) ભારત અને શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપમાં રમી રહેલી યુએસએની ટીમને શુભેચ્છા પાઠવી છે અને તેમણે સોશ્યલ મીડિયા મારફત મોનાંક પટેલના નેતૃત્વ હેઠળની યુએસએની ટીમ માટે જણાવ્યું હતું કે આખો દેશ તમારી પડખે છે અને તમારી સફળતાની આશા રાખે છે.
ડોનલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રૂથ સોશ્યલ પરની પોસ્ટ (post)માં જણાવ્યું હતું કે ` મેં હમણાં સાંભળ્યું કે ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. યુએસએની ટીમને મારા તરફથી બેસ્ટ ઑફ લક. આપણી ટીમ બહુ મજબૂત છે.’

ભારત ખાતેના અમેરિકી રાજદૂત સર્જિયો ગૉરે એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પને પ્રતિસાદમાં જણાવ્યું, ` મિ. પ્રેસિડન્ટ, તમારી સુંદર શુભેચ્છા બદલ આભાર.’

ઉલ્લેખનીય છે કે 2024ના ગયા ટી-20 વર્લ્ડ કપમાં યુએસએની ટીમે ટાઇ પછીની સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. શનિવારે વાનખેડેમાં યુએસએની ટીમે 77 રનમાં છ વિકેટ લઈ લીધી હતી જેમાં તમામ બૅટ્સમૅન કૅચઆઉટ થયા હતા.
જોકે ત્યાર બાદ કૅપ્ટન સૂર્યકુમારે (84 અણનમ) જબરદસ્ત ફટકાબાજીથી ભારતને 9/161નો સ્કોર અપાવ્યો હતો અને ત્યાર પછી ભારતીય બોલર્સે કમાલ દેખાડી હતી. યુએસએની ટીમે સારી લડત આપ્યા બાદ 8/132ના સ્કોર સાથે 20 ઓવર પૂરી
કરી હતી અને ભારતનો 29 રનથી વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપમાં આજે કયા મુકાબલા?
ઇટલી-સ્કૉટલૅન્ડ
(કોલકાતા, સવારે 11.00)
ઓમાન-ઝિમ્બાબ્વે
(કોલંબો, બપોરે 3.00)
કૅનેડા-સાઉથ આફ્રિકા
(અમદાવાદ, સાંજે 7.00)



