આઇપીએલના ઇતિહાસના આ શ્રેષ્ઠ આઠ રોમાંચક મુકાબલા યાદ છે ને?

મુંબઈઃ 2008ની સાલમાં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માત્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી. આ એવો ક્રિકેટોત્સવ છે જેમાં કરોડો ક્રિકેટપ્રેમીઓ પોતાની લાગણીઓ અને સંવેદનાઓનો ઉતાર-ચઢાવ અનુભવે છે. એમાં જીતનો જશન તો છે જ, પરાજયની નિરાશા હોવા ઉપરાંત પછીની મૅચો માટેની આશા પણ એમાં જન્મ લેતી જોવા મળે છે. ક્યાંક શાનદાર સેલિબે્રશન જોવા મળે છે તો અનેકના દિલ તૂટતા પણ જોવા મળે છે. છેવટે તો ક્રિકેટનો જ વિજય કહેવાય, કારણકે પોણાબે મહિના સુધી દરરોજ નિતનવી મૅચ રોમાંચક સ્થિતિ ઊભી કરે છે.
આ પણ વાંચો : IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન
ક્રિકેટચાહકો પોતાની પસંદગીની ટીમ તથા મનગમતા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર બારીકાઈથી નજર રાખે છે અને થોડા વર્ષોથી તો હોમમેકર તરીકે જ જેમની ઓળખ થતી હતી એવી મહિલાઓ પણ ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય સ્પર્ધાની મજા માણતી થઈ ગઈ છે. અહીં આપણે એવી કેટલીક સૌથી દિલધડક આઇપીએલ મૅચોની વાત કરીશું જેણે અસંખ્ય ક્રિકેટલવર્સને રોમાંચિત કર્યા છે.
(1) 2019ની ફાઇનલઃ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ

આઇપીએલના અઢાર વર્ષના ઇતિહાસમાં આ સૌથી એક્સાઇટિંગ મૅચ તરીકે ઓળખાય છે. રોહિત શર્માના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 149 રન બનાવ્યા હતા જેમાં કીરૉન પોલાર્ડ (41 અણનમ, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. 150 રનના લક્ષ્યાંક સામે એમએસ ધોનીના સુકાનમાં ચેન્નઈએ છેલ્લા બૉલમાં જીતવા બે રન બનાવવાના હતા. લસિથ મલિન્ગાની એ અંતિમ ઓવરના ચોથા બૉલમાં શેન વૉટસન 80 રન બનાવીને કૃણાલ પંડ્યા તથા વિકેટકીપર ડિકૉકના હાથે રનઆઉટ થઈ ચૂક્યો હતો અને મલિન્ગાનો આખરી બૉલ પરફેક્ટ યૉર્કર હતો જેમાં શાર્દુલ ઠાકુર (બે રન) એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો અને (છેલ્લા થોડા વર્ષોમાં મૅચ-વિનર સાબિત થયેલો) રવીન્દ્ર જાડેજા ત્યારે પાંચ રને અણનમ રહી ગયો હતો. એ સાથે જ મુંબઈએ ફક્ત એક રનના તફાવતથી અદ્ભુત જીત હાંસલ કરી હતી.
(2) 2016ની ફાઇનલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

હૈદરાબાદે 208 રન બનાવ્યા બાદ વિરાટ કોહલીના સુકાનમાં બેન્ગલોરની ટીમે ખુદ કોહલી અને ક્રિસ ગેઇલની ફટકાબાજીના જોરે વિજય લગભગ મેળવી જ લીધો હતો, પણ છેલ્લી પળોમાં ડેવિડ વૉર્નરના સુકાનમાં હૈદરાબાદની ટીમ મેદાન મારી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર બેન કટિંગ ત્યારે હૈદરાબાદનો મૅચ-વિનર બન્યો હતો. તેણે પહેલાં તો અણનમ 39 રનમાંથી 36 રન બાઉન્ડરીઝ (ચાર સિક્સર + ત્રણ ફોર)ની મદદથી બનાવ્યા હતા અને પછી ક્રિસે ગેઇલ (આઠ સિક્સર, ચાર ફોરની મદદથી 76 રન) તેમ જ કેએલ રાહુલ (11 રન)ની વિકેટ લીધી હતી. 209 રનના લક્ષ્યાંક સામે બૅન્ગલોરની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 200 રન બનાવી શકી હતી.
(3) 2014 ક્વૉલિફાયર-ટૂઃ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ

વીરેન્દર સેહવાગે માત્ર 58 બૉલમાં 122 રન બનાવીને ધમાલ મચાવી દીધી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)ની ટીમે પડકારજનક 226 રનનો સ્કોર નોંધાવ્યો હતો. સુરેશ રૈનાએ ફક્ત પચીસ બૉલમાં 87 રન ખડકીને ચેન્નઈ વતી વળતો જવાબ આપ્યો હતો. જોકે રૈનાની એ આતશબાજી ધોનીની ટીમને જિતાડવા માટે પૂરતી નહોતી. શ્વાસ અદ્ધર કરી મૂકતી એ મૅચ છેવટે પંજાબે 24 રનના માર્જિનથી જીતી લીધી હતી.
(4) 2020ની મૅચઃ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રાજસ્થાન રૉયલ્સ

આઇપીએલના અત્યાર સુધીના સૌથી થ્રિલિંગ ચેઝમાં ગણાતી આ મૅચમાં રાજસ્થાને ત્યારે 224 રનનો રેકૉર્ડ-બે્રકિંગ સફળ ચેઝ નોંધાવ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં સૌથી યાદગાર ગણાતી ઇનિંગ્સમાં રાહુલ તેવાટિયાની આ મૅચની ઇનિંગ્સની ગણના અચૂક થાય છે. તેણે એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા અને બાજી ફેરવી નાખીને રાજસ્થાનને યાદગાર વિજય અપાવ્યો હતો.
(5) 2013ની મૅચઃ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વિરુદ્ધ પુણે વૉરિયર્સ

આઇપીએલના ઇતિહાસમાં સૌથી યાદગાર વ્યક્તિગત ઇનિંગ્સમાં ક્રિસ ગેઇલની આ મૅચની ઇનિંગ્સ અચૂક ગણાય છે. તેણે ફક્ત 66 બૉલમાં 17 સિક્સર અને 13 ફોરની મદદથી અણનમ 175 રન બનાવ્યા હતા જેની મદદથી આરસીબીએ પાંચ વિકેટે 263 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટી-20 ક્રિકેટમાં ગેઇલનો આ સ્કોર સર્વોત્તમ છે. આરૉન ફિન્ચના સુકાનમાં પુણેની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 133 રન બનાવી શકી હતી. ખુદ ગેઇલ તેમ જ રવિ રામપૉલ અને જયદેવ ઉનડકટે બે-બે વિકેટ લીધી હતી અને આરસીબીનો 130 રનથી વિજય થયો હતો.
(6) 2018ની મૅચઃ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ

હાઇ-સ્કોરિંગ થ્રિલરમાં ચેન્નઈએ 203 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સૅમ બિલિંગ્સે 23 બૉલમાં 56 રન ફટકાર્યા હતા અને ચેન્નઈએ અંતિમ ઓવરમાં જીત મેળવી હતી. આઇપીએલમાં હંમેશાં જે અનિશ્ચિતતા અને રોમાંચક સ્થિતિની ચરમસીમાઓ જોવા મળી છે એ માટે આ મૅચ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
(7) 2010ની ફાઇનલઃ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ

રાજસ્થાન રૉયલ્સે 2008માં અને ડેક્કન ચાર્જર્સે 2009માં ટાઇટલ જીતી લીધા પછી 2010માં ચેન્નઈએ પહેલું ટાઇટલ 2010માં મુંબઈ સામેની આ ફાઇનલ જીતીને મેળવ્યું હતું. એ યાદગાર ફાઇનલમાં સુરેશ રૈનાના અણનમ 57 રન સૌથી મોટું આકર્ષણ હતું. નવી મુંબઈના ડીવાય પાટીલમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નઈએ 168/5નો સ્કોર શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ડિફેન્ડ કર્યો હતો, પહેલી વાર ટ્રોફી જીતી લીધી હતી અને એ સાથે ધોનીના સુકાનમાં સીએસકેના યુગનો ખરો આરંભ થયો હતો.
(8) 2022ની ફાઇનલઃ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રૉયલ્સ

ગુજરાતની એ ડેબ્યૂ સીઝન હતી, જ્યારે રાજસ્થાન 2008નું સૌપ્રથમ વિજેતા હતું. આ બન્ને વચ્ચેની રસાકસીમાં હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાતે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી રોમાંચક વિજય મેળવ્યો હતો. નવી ટીમ શરૂઆતથી જ આ ટૂર્નામેન્ટ પર કેવી રીતે પ્રભુત્વ જમાવી શકે એનો પુરાવો હાર્દિકની ટીમે આપ્યો હતો. હાર્દિકની ત્રણ વિકેટ તથા સાઇ કિશોરની બે વિકેટ અને રાશિદ ખાન તેમ જ મોહમ્મદ શમી અને યશ દયાલની એક-એક વિકેટને કારણે રાજસ્થાનની ટીમ નવ વિકેટે માત્ર 130 રન બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે શુભમન ગિલના અણનમ 45 રન તેમ જ સુકાની હાર્દિકના 34 રન તથા ડેવિડ મિલરના અણનમ 32 રનની મદદથી 18.1 ઓવરમાં ત્રણ વિકેટે 133 રન બનાવીને અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો હતો.