પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો કેમ વેસ્ટ ઇન્ડિઝ સામે 0-3થી હારી ગઈ, જાણો છો?
![Do you know why Pakistan women cricketers lost 0-3 against West Indies?](/wp-content/uploads/2024/04/dhiraj-2024-04-28T194909.233.jpg)
લાહોર: આજકાલ ક્રિકેટરો માટેના પ્રૉટોકૉલ ખૂબ કડક અને શેડ્યૂલ ખૂબ બિઝી થઈ ગયા છે. એ સ્થિતિમાં જો ખેલાડીઓ ટૂર્નામેન્ટને લગતી ટૂર દરમ્યાન કે કૅમ્પ દરમ્યાન પોતાના મૅનેજર કે ટીમ-મૅનેજમેન્ટની રજા વગર બહાર જાય કે સમયપત્રકનો ભંગ કરીને ક્યાંક જતા રહે તો તેઓ કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મુકાવાની સંભાવના રહે છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમ સાથે થોડા દિવસ પહેલાં એવું જ બન્યું. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટેની તાલીમ શિબિરમાંથી છ ખેલાડીઓ અચાનક જ એક દિવસ સાંજે બહાર ફરવા જતી રહી હતી. તેઓ કરાચીમાં હતી અને ટીમ મૅનેજમેન્ટની પરવાનગી વગર બહાર જતી રહી અને તેમનો રોડ ઍક્સિડન્ટ થયો હતો જેમાં બે ખેલાડીને ગંભીર ઈજા થઈ હતી.
આ પણ વાંચો: જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે
ખરેખર તો આ બનાવને પગલે પાકિસ્તાનની નૅશનલ વિમેન્સ ટીમ અડધી થઈ ગઈ હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં આ ઘટના બની જેને બહાર નહોતી આવવા દીધી. આ પ્લેયર્સ વિરુદ્ધ ક્રિકેટ બોર્ડે શિસ્તભંગના પગલાં પણ લીધા છે.
પાકિસ્તાનની ટીમની મુખ્ય ખેલાડી ફાતિમા સના અને બીજી પ્લેયર્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોવાથી નહોતી રમી જેને કારણે વન-ડે સિરીઝમાં પાકિસ્તાની ટીમનો પર્ફોર્મન્સ કંગાળ હતો. વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ સામે પાકિસ્તાની ટીમનો 0-3થી પરાજય થયો હતો.
હવે આ ઘટનાને પગલે ક્રિકેટ બોર્ડે મહિલા ટીમની સલામતી માટે તેમ જ તેમનાં પર દેખરેખ રાખવા ફુલ-ટાઇમ સિનિયર સિક્યૉરિટી પોલીસ ઑફિસરની નિયુક્તિ કરી છે અને ખેલાડીઓ માટેના ટાઇમિંગ નક્કી કર્યા છે.