ટેસ્ટની ચૅમ્પિયન ટીમને ઘી કેળાઃ જંગી વધારા બાદ કેટલી ઇનામી રકમ મળશે, જાણો છો?

દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની આગામી ફાઇનલ જીતનારી ટીમને જંગી ઇનામી રકમ આપવાનું નક્કી કર્યું છે. આ ફાઇનલ (FINAL) 11મી જૂનથી ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ (LORD’S)માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે.
આઇસીસીએ ડબ્લ્યૂટીસીમાં ચૅમ્પિયન થનારી ટીમ માટેની ઇનામી રકમ બમણાથી પણ વધારી દીધી છે.
2023માં ભારતને ફાઇનલમાં હરાવીને પૅટ કમિન્સના સુકાનમાં ચૅમ્પિયન થયેલી ઑસ્ટ્રેલિયાની ટીમને 16 લાખ ડૉલર મળ્યા હતા. જોકે હવે આ ઇનામી રકમ વધારીને 36 લાખ ડૉલર કરવામાં આવી છે..
આ પણ વાંચો: રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે
ડૉલરના વર્તમાન ભાવ મુજબ ડબ્લ્યૂટીસીની વિજેતા ટીમને ભારતીય ચલણ મુજબ અંદાજે 31 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળશે.
આઇસીસીએ રનર-અપ ટીમની ઇનામી રકમ બમણાથી પણ વધારી દીધી છે. 2021માં અને 2023માં ભારતીય ટીમ રનર-અપ રહી હતી અને ત્યારે (બન્ને સીઝનમાં) ભારતીય ટીમને 8 લાખ ડૉલર મળ્યા હતા. જોકે હવે રનર-અપ માટેનું ઇનામ વધારીને 21 લાખ ડૉલર (આશરે 18 કરોડ રૂપિયા) કરવામાં આવ્યું છે.
આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ` ઇનામી રકમનો વધારો દર્શાવે છે કે આઇસીસી ટેસ્ટ-ક્રિકેટને પ્રાધાન્ય આપવા હંમેશાં કટિબદ્ધ રહી છે.’