Djokovic ફેડરરના ગ્રૅન્ડ સ્લૅમ રેકૉર્ડની બરાબરી કરી, પહોંચી ગયો ક્વૉર્ટર ફાઇનલમાં
મેલબર્ન: સર્બિયાનો વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ મેન્સ ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે ક્યારનોયે કરી ચૂક્યો છે, તે એક પછી એક નવા વિક્રમ પણ પોતાના નામે કરી રહ્યો છે તો અમુક રેકૉર્ડની બરાબરી પણ કરી રહ્યો છે. રવિવારે તે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફ્રાન્સના ઍડ્રિયન મૅનારિનોને 6-0, 6-0, 6-3થી કચડીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. આ એન્ટ્રી તેના માટે સ્પેશિયલ હતી, કારણકે તે 58મી વખત ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની સ્વિટ્ઝરલૅન્ડના મહાન ખેલાડી રોજર ફેડરરની બરાબરી કરી છે.
11મી વાર ઑસ્ટ્રેલિયન ઓપન જીતવા તરફ આગેકૂચ કરી રહેલા જૉકોવિચે ઍડ્રિયનને એક કલાક અને 44 મિનિટ સુધી ચાલેલી મૅચમાં હરાવવાની સાથે 14મી વાર આ સ્પર્ધાના લાસ્ટ-એઇટના રાઉન્ડમાં પહોંચવાની સિદ્ધિ પણ મેળવી છે. એ સાથે તેણે રાફેલ નડાલ અને જૉન ન્યૂકૉમ્બની બરાબરી કરી છે. ફરક માત્ર એટલો છે કે જૉકોવિચ આ બંને કરતા વધુ વખત ક્વૉર્ટર ફાઇનલની એન્ટ્રીને ટાઇટલ-વિનિંગમાં ફેરવી શક્યો છે. જૉકોવિચ 10 વખત ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી ચૂક્યો છે.
પહેલા બે રાઉન્ડ ટીનેજરો સામે મહામહેનતે જીતનાર જૉકોવિચ હવે ક્વૉર્ટરમાં વર્લ્ડ નંબર-12 ટેલર ફ્રિટ્ઝ સામે રમશે. ફ્રિટ્ઝે રવિવારે અપસેટ સરજ્યો હતો. તેણે 2023ની ઑસ્ટ્રેલિયન ઓપનના રનર-અપ સ્ટેફાનોસ સિત્સિપાસને 7-6 (7-3), 5-7, 6-3, 6-3થી હરાવીને ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી. ફ્રિટ્ઝ પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમમાં વિશ્ર્વના ટૉપ-10માં આવતા પ્લેયર સામે જીત્યો છે.
વિમેન્સમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક હારી ચૂકી છે, જ્યારે રવિવારે નંબર-ટૂ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કા તથા યુએસ ઓપન વિજેતા કૉકો ગૉફ પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સબાલેન્કાએ અમાન્ડા ઍનિસિમોવાને 6-3, 6-2થી અને ગૉફે મૅગ્ડાલેનાને 6-1, 6-2થી પરાજિત કરી હતી.