વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યા દેશમુખે ફાઇનલ વખતે છેક સુધી ચેસ બોર્ડની બાજુમાં કેળું રાખી મૂક્યું હતું! | મુંબઈ સમાચાર

વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યા દેશમુખે ફાઇનલ વખતે છેક સુધી ચેસ બોર્ડની બાજુમાં કેળું રાખી મૂક્યું હતું!

નાગપુર-ગર્લને 43 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું, હવે જાહેરખબરના કૉન્ટ્રૅક્ટોથી બીજા કરોડો કમાઈ શકે

બૅટુમી (જ્યોર્જિયા): ભારતની જ 38 વર્ષીય ગ્રેન્ડમાસ્ટર કૉનેરુ હમ્પીને હરાવીને યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન બનેલી તેમ જ ગ્રેન્ડમાસ્ટરનો દરજ્જો પણ મેળવનાર નાગપુરની 19 વર્ષની દિવ્યા દેશમુખે સોમવારે ફિડે વર્લ્ડ કપમાં ફાઇનલ દરમ્યાન ટેબલ પર ચેસ બોર્ડની નજીક (પોતાની બાજુમાં) એક કેળું રાખી મૂક્યું હતું જેનું કારણ તો દિવ્યાએ મુલાકાતમાં સ્પષ્ટપણે નથી જણાવ્યું, પરંતુ તેણે એટલું જરૂર કહ્યું હતું કે ફાઇનલ પૂરી થઈ ગઈ અને હું ચૅમ્પિયન બની ગઈ અને હવે હું આ કેળું જરૂર ખાઇશ.’ શું કેળું (Banana) તમારું સૌથી પ્રિય ફળ છે? તમે એને નસીબવંતુ માનો છો? એવું પૂછવામાં આવતાં દિવ્યા (Divya Deshmukh)એ કહ્યું હતું કે હું કેળાંને લકી નથી માનતી.’ એવું કહીને દિવ્યાએ ગેમ દરમ્યાન સતત વ્યસ્ત રહેવું પડતું હોવાથી તેને કેળું ખાવાનો સમય જ નથી મળતો એવું જણાવીને મજાકમાં જણાવ્યું હતું કે ` ક્યારેય ગેમ દરમ્યાન મારી હરીફ મને બનાના ખાવા દેતી જ નથી. મારે સતત વિચારતા રહેવું પડે છે. એક વાત એ પણ છે કે હું જો બાજુમાં રાખેલું કેળું ખાઉં તો શરીરમાં એક રીતે આળસ આવી જાય.’

દરમ્યાન ચેસ (Chess)માં દેશને પ્રથમ મહિલા વર્લ્ડ ચૅમ્પિયન અપાવવાનું 150 કરોડની ભારતની જનતાનું સપનું સાકાર કરનાર દિવ્યાને પ્રથમ ઇનામ વિજેતા તરીકે 50,000 ડૉલર (આશરે 43 લાખ રૂપિયા) મળ્યા છે. રનર-અપ હમ્પીને 35,000 ડૉલર (30 લાખ રૂપિયા) મળ્યા છે. દિવ્યાને હવે ચેસની વર્લ્ડ ચૅમ્પિયન બનવાને પગલે કરોડો રૂપિયાના એન્ડૉર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ મળી શકે એમ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button