દિવ્યા દેશમુખ બનવા આવી ગ્રેન્ડમાસ્ટર, પણ બની ગઈ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન!

દિવ્યા દેશમુખ બનવા આવી ગ્રેન્ડમાસ્ટર, પણ બની ગઈ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન!

મેન્સમાં ડી. ગુકેશ પછી હવે વિમેન્સમાં દિવ્યા ચેસ જગતની સૌથી યુવાન વિશ્વવિજેતા

બૅટુમી (જ્યોર્જીયા): 19 વર્ષની ટીનેજ વયે કોઈ ચેસ ખેલાડી પ્રથમ ગ્રેન્ડમાસ્ટર (જીએમ) નૉર્મ મેળવવાના આશયથી વર્લ્ડ કપમાં રમવા આવે અને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતીને યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બની જાય એવું ચેસના ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય, પરંતુ નાગપુરની ટીનેજર દિવ્યા દેશમુખ (Divya Deshmukh)ના કિસ્સામાં સોમવારે એવું હકીકતમાં બન્યું.

મહારાષ્ટ્રની આ 19 વર્ષીય મુલગી સોમવારે મહિલા ચેસ જગતની નવી અને સૌથી યુવાન વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્ર્રપતિ દ્રોપદી મૂર્મુ તેમ જ બીજા અનેક મહાનુભાવો અને નિષ્ણાતોએ સોશિયલ મીડિયામાં દિવ્યાને અભિનંદન આપ્યા હતા.

મેન્સમાં 19 વર્ષનો ડી. ગુકેશ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન છે
ભારતનો 19 વર્ષીય ડી. ગુકેશ ડિસેમ્બર, 2024માં મેન્સમાં યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તે 2019માં (13 વર્ષની ઉંમરે) ગ્રેન્ડમાસ્ટર બન્યો હતો.

ભારતનો અનોખો વર્લ્ડ રેકોર્ડ
મેન્સ અને વિમેન્સ, બન્ને વર્ગમાં એક જ અરસામાં કોઈ એક જ દેશના 19 વર્ષીય પ્લેયર (બન્ને યંગેસ્ટ) વર્લ્ડ ચેમ્પિયન બન્યા હોય એવું પણ પહેલી જ વખત બન્યું છે.

દિવ્યાએ ભારતની જ હમ્પીને હરાવી
દિવ્યાએ વર્લ્ડ નંબર વન અને રૅપિડ ચેસમાં બે વખત વિશ્વવિજેતા બનેલી ભારતની 38 વર્ષીય કોનેરુ હમ્પી (Koneru Humpy)ને બે ડ્રો ગેમ પછીની ટાઈ-બ્રેકરમાં હરાવીને વિશ્વવિજેતા પદ હાંસલ કર્યું હતું.

https://twitter.com/chesscom_in/status/1949790053724545421

થોડું ધાર્યું હતું અને અનેક ઘણું મેળવ્યું!
દિવ્યા આ ટૂર્નામેન્ટમાં રમવા આવી ત્યારે તેની પાસે એક પણ જીએમ નૉર્મ નહોતું. તે ઇન્ટરનેશનલ માસ્ટર (IM) તરીકે આ ફિડે વર્લ્ડ કપમાં રમવા આવી હતી. તેની પાસે એક પણ જીએમ (GM) નૉર્મ નહોતું છતાં આ વર્લ્ડ કપમાં સારું રમીને તે એકાદ નોર્મ મેળવવા માગતી હતી કે જેથી તેને ભવિષ્યમાં ચેસ જગતનું સંચાલન કરતી ફિડે (FIDE) સંસ્થાની કોઈ મોટી ટૂર્નામેન્ટમાં આસાનીથી રમવા મળે.

કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં આપોઆપ રમી શકશે
જીએમ બનવા માટે કુલ ત્રણ નૉર્મ તેમ જ 2,500નું રેટિંગ જરૂરી છે. જોકે ફિડેનો નિયમ છે કે જો કોઈ ખેલાડી કોઈ મોટી ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતે તો જીએમ બનવા માટે તેણે ત્રણેય નૉર્મ કે 2,500નું રેટિંગ મેળવવા જરૂરી નથી. દિવ્યાએ હવે જીએમનો દરજ્જો તો આપોઆપ મેળવી જ લીધો, તે વર્લ્ડ ચેમ્પિયન પણ બની ગઈ અને હવે આગામી કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં પણ રમી શકશે.

આપોઆપ ગ્રેન્ડમાસ્ટર બની ગઈ
જો કોઈ ખેલાડી વર્લ્ડ કપ જીતે તો તે જીએમનો દરજજો પણ આપોઆપ મેળવી લે છે. દિવ્યા દેશમુખના કિસ્સામાં આવું જ બન્યું છે.

દિવ્યાનાં મમ્મી ડૉકટર છે
સોમવારે દિવ્યા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી બેહદ ખુશ અને ભાવુક હતી. દિવ્યાનાં મમ્મી ડૉક્ટર છે અને તે પુત્રીની આ અપ્રતિમ સિદ્ધિ વખતે તેની પાસે હતા.

દિવ્યાએ પોતાની કલ્પનાથી પણ વધુ હાંસલ કર્યું
દિવ્યાએ વિશ્વવિજેતા બન્યા પછી પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘ મારી ખુશીની કોઈ સીમા નથી. હું અત્યારે એટલી બધી આનંદિત અને ભાવુક થઈ ગઈ છું કે તમારી સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. હું ગ્રેન્ડમાસ્ટરનું ટાઈટલ આ રીતે વર્લ્ડ ચેમ્પિયન બનીને મેળવી લઈશ એની મેં કલ્પના પણ નહોતી કરી. મને એ જ ચિંતા હતી કે હું જીએમનું પહેલું નોર્મ ક્યારે મેળવીશ? જોકે અત્યારે હું વર્લ્ડ કપ જીતી ગઈ છું અને આપોઆપ જીએમ પણ બની ગઈ છું. જોકે એટલું જરૂર કરીશ કે હજી મારે ચેસમાં ઘણું હાંસલ કરવું છે.’

ચોથી જીએમ બની, યંગેસ્ટ જીએમને હરાવી
દિવ્યા દેશમુખ ભારતની ગ્રેન્ડમાસ્ટર (જીએમ) બનેલી ચોથી મહિલા ચેસ ખેલાડી છે. તેની પહેલાં કોનેરુ હમ્પી, દ્રોનોવલ્લી હરિકા અને આર. વૈશાલી જીએમ બની હતી. હમ્પી 2001ની સાલમાં 14 વર્ષની ઉંમરે ભારતની સૌપ્રથમ મહિલા જીએમ બની હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button