સ્પોર્ટસ

મારી વિકેટથી નિરાશ, ટીમની બૅટિંગથી નારાજ: શુભમન ગિલ

હરારે: ઝિમ્બાબ્વેની બિન-અનુભવી ટીમ સામે પાંચ મૅચની ટી-20 સિરીઝ રમવા આવેલી ભારતીય ટીમનો કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) શનિવારે હરારેમાં પહેલી જ મૅચમાં જોવી પડેલી હારને કારણે બેહદ નિરાશ હતો. ખાસ કરીને તે પોતાની વિકેટ બાબતમાં અને એકંદરે ટીમની ફ્લૉપ બૅટિંગ બદલ ઉદાસ હતો. તેણે જ મૅચ પછી કહ્યું કે ‘મેં જે રીતે વિકેટ ગુમાવી એનાથી હું ખૂબ નિરાશ છું. અડધી ઓવરમાં માત્ર 43 રનમાં અમારી પાંચ વિકેટ પડી ચૂકી હતી. મારે છેક સુધી ક્રીઝ પર ટકી રહેવું જોઈતું હતું.’

ગિલ હરીફ કૅપ્ટન સિકંદર રઝાના કૅરમ બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. ગિલે 29 બૉલમાં 31 રન બનાવ્યા હતા. ગિલે મૅચ બાદ એવું પણ કહ્યું કે ‘માત્ર 116 રનનો લક્ષ્યાંક મળ્યો હોય અને છેક 10મા નંબરના બૅટરે પણ બૅટિંગ કરવા આવવું પડે એ બહુ ખરાબ કહેવાય.’

ભારતે બૅટિંગ આપ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 9 વિકેટે 115 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ 19.5 ઓવરમાં 102 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન સિકંદર રઝા (4-0-25-3)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

ગિલના મતે તેની ટીમ નક્કી કરેલા પ્લાનનો અમલ ન કરી શકી. ગિલે કહ્યું, ‘અમે નક્કી કર્યું હતું કે અમે ગેમને એન્જૉય કરતા કરતા બૅટિંગ કરીશું એટલે સારું પર્ફોર્મ કરી શકીશું. જોકે એમાં નિષ્ફળ રહ્યા.’

આઇપીએલમાં મોટી આતશબાજી કરનાર અભિષેક શર્મા, રિયાન પરાગ, ઋતુરાજ ગાયકવાડ અને રિન્કુ સિંહ ઝિમ્બાબ્વેના બિન-અનુભવી બોલર્સ સામે 10 રન પણ નહોતા બનાવી શક્યા. તેમના કરતાં આવેશ ખાને વધુ રન (16) બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button