![Dinesh Karthik: India's first T20 man of the match, lost only two matches in IPL and played with 187 players](/wp-content/uploads/2024/05/Dinesh-Karthik-T20-World-Cup-780x470.jpg)
અમદાવાદ/ચેન્નઈ: એક અઠવાડિયા પછી (પહેલી જૂને) જિંદગીના 39 વર્ષ પૂરા કરનાર વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે બુધવારે અમદાવાદમાં રાજસ્થાન રૉયલ્સ (RR) સામેના રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલૂરુ (RCB)ના પરાજય બાદ ભારે હૃદયે ચાહકોને ગુડબાય કરી એ સાથે ભારતીય ક્રિકેટના એક અનોખા ક્રિકેટરના યુગનો અંત આવી ગયો. એમએસ ધોની અને રવીન્દ્ર જાડેજા જેવા જ આ મૅચ-ફિનિશરે ગુરુવાર સાંજ સુધી સત્તાવાર રીતે રિટાયરમેન્ટ જાહેર નહોતું કર્યું, પરંતુ તેણે મેદાન પરથી અલવિદા કરવાનો જે સ્પષ્ટ સંકેત આપ્યો એને ધ્યાનમાં લઈને તેની શાનદાર શરૂઆત પર સૌથી પહેલાં નજર કરીએ. સપ્ટેમ્બર, 2004માં તેણે ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. ઇંગ્લૅન્ડ સામેની એ વન-ડેમાં ભારત જીત્યું હતું, નવેમ્બર 2004માં કાર્તિક જે પ્રથમ ટેસ્ટ રમ્યો એમાં ભારતે (વાનખેડેમાં) ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો અને ડિસેમ્બર, 2006માં તો તેણે કમાલ જ કરી નાખી હતી. ત્યારે ભારત જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે પોતાની સૌપ્રથમ ટી-20 રમ્યું હતું અને એમાં કાર્તિકે ડેબ્યૂ સાથે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ મેળવ્યો હતો. એ મૅચમાં તેણે રૉબિન પીટરસનને રનઆઉટ કરવા ઉપરાંત અણનમ 31 રન બનાવીને કટોકટીની પળોમાં ભારતને જિતાડ્યું હતું.
રાઇટ-હૅન્ડ બૅટર કાર્તિક આઇપીએલની તમામ 17 સીઝનમાં કુલ 257 મૅચ રમ્યો અને એમાં માત્ર બે જ મૅચ તેણે ગુમાવી હતી. બીજું, કાર્તિક આઇપીએલમાં કુલ છ ટીમ વતી રમ્યો અને એમાં તેને કુલ મળીને 187 ખેલાડીઓ સાથે રમવા મળ્યું જે વિક્રમ છે. તે જે છ ટીમ વતી રમ્યો એમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ, દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો સમાવેશ છે.
કાર્તિક નવેમ્બર, 2022માં છેલ્લી વાર ભારત વતી રમતો જોવા મળ્યો હતો. તે ધોનીથી ઉંમરમાં ચાર વર્ષ નાનો છે, પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધોનીથી પહેલાં ડેબ્યૂ કર્યું હતું. કાર્તિક પાંચમી સપ્ટેમ્બર, 2004માં (19 વર્ષની ઉંમરે) પહેલી મૅચ રમ્યો એના સાડાત્રણ મહિના બાદ 23મી ડિસેમ્બર, 2004ના રોજ ધોનીએ પહેલી વાર (વન-ડે) ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ધોની 42 વર્ષનો છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી ચાર વર્ષ પહેલાં જ તેણે નિવૃત્તિ લીધી હતી અને હવે આઇપીએલમાંથી પણ તેની એક્ઝિટની ઘડી ગણાઈ રહી છે. જોકે કાર્તિક ભારત વતી છેલ્લે 2022માં રમ્યો હતો. ટૂંકમાં, ધોનીની હાજરીને કારણે કાર્તિકની કરીઅર લગભગ પૂર્ણપણે ઢંકાઈ ગઈ હતી. ધોની અદ્ભુત પર્ફોર્મન્સને કારણે સતતપણે ભારતની ટીમમાં જળવાઈ રહ્યો એટલે કાર્તિકને વારંવાર ટીમમાં કમબૅક કરવા પડ્યા. એટલે જ તે ‘મૅન ઑફ કમબૅક્સ’ તરીકે ઓળખાય છે. ધોનીની કુલ 538 મૅચ સામે કાર્તિકના નામે કુલ માત્ર 180 ઇન્ટરનૅશનલ મૅચ છે. જોકે આઇપીએલ પ્રાઇવેટ ટૂર્નામેન્ટ હોવાથી કાર્તિકને લગભગ ધોની જેટલી જ મૅચ રમવા મળી.
આ પણ વાંચો : T20 WC 2024 Team: ‘હું 100% તૈયાર છું…’ BCCIના સિલેક્ટર્સને દિનેશ કાર્તિકનો સીધો સંદેશ, જાણો બીજું શું કહ્યું
ખાસ કરીને 2024ની આઇપીએલ કાર્તિક માટે અનોખી બની. એમાં તેણે 15 મૅચમાં કુલ 326 રન બનાવ્યા તેમ જ નવ વખત રિવર્સ-સ્કૂપ ફટકારતો જોવા મળ્યો. તેણે કેટલીક મૅચ ફિનિશ પણ કરાવી અને વિકેટકીપિંગમાં પણ કમાલ દેખાડી.
હવે કાર્તિક ફરી કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળશે.
દિનેશ કાર્તિકની અદ્ભુત રેકૉર્ડ-બુક:
![](/wp-content/uploads/2024/05/image-70.png)
(1) ‘ડીકે’ તરીકે જાણીતા આ લોકપ્રિય ખેલાડીનું આખું નામ કૃષ્ણકુમાર દિનેશ કાર્તિક છે. તેનો જન્મ 1985ની પહેલી જૂને ચેન્નઈમાં થયો હતો.
(2) 94 વન-ડેમાં 1,752 રન બનાવ્યા, 64 કૅચ પકડ્યા અને સાત બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા.
(3) 2004માં પ્રથમ વન-ડેમાં તેણે ઇંગ્લૅન્ડના માઇકલ વૉનને અદ્ભુત સ્ટાઇલમાં સ્ટમ્પ-આઉટ કર્યો હતો.
(4) 60 ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 686 રન બનાવ્યા, 30 કૅચ પકડ્યા અને આઠ બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા.
(5) 26 ટેસ્ટમાં એક સેન્ચુરી સહિત કુલ 1,025 રન બનાવ્યા, 57 કૅચ પકડ્યા અને છ બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા.
(6) આઇપીએલની 257 મૅચમાં બાવીસ હાફ સેન્ચુરીની મદદથી 3,577 બૉલમાં 4,842 રન બનાવ્યા, 50 વખત અણનમ રહ્યો, 161 સિક્સર અને 466 ફોર ફટકારી અને 135.36 સ્ટ્રાઇક-રેટ નોંધાવ્યો.
(7) આઇપીએલ સહિતની તમામ ટી-20 મૅચોમાં 5,408 બૉલમાં 7,407 રન બનાવ્યા, 256 સિક્સર અને 715 ફોર ફટકારી તેમ જ 136.96નો સ્ટ્રાઇક-રેટ નોંધાવ્યો.
(8) કાર્તિક આઇપીએલમાં રોહિત શર્મા જેટલી જ 257 મૅચ રમ્યો. બન્ને પ્લેયર એમએસ ધોની (264 મૅચ) પછી બીજા નંબરે છે.
(9) આઇપીએલમાં કાર્તિક સ્ટમ્પ્સ પાછળના કુલ 174 શિકાર સાથે ધોની (190 શિકાર) પછી બીજ સ્થાને છે.
(10) આઇપીએલમાં કાર્તિકે સ્ટમ્પ્સની પાછળથી 137 કૅચ પકડ્યા અને 37 બૅટરને સ્ટમ્પ-આઉટ કર્યા. બન્નેમાં તે ધોની (148 કૅચ, 42 સ્ટમ્પિંગ) પછી બીજા નંબરે છે.
(11) આઇપીએલમાં ચોથા કે એનાથી ઉતરતા નંબરે બૅટિંગ કરીને કુલ 4,097 રન બનાવ્યા. તે આ બાબતમાં પણ ધોની (5,047 રન) પછી બીજા ક્રમે છે. આઇપીએલમાં ત્રીજા-ચોથા કે ઉતરતા ક્રમે રમ્યો, પણ ઓપનિંગમાં ક્યારેય નથી રમ્યો.
(12) આઇપીએલમાં ડેથ ઓવર્સ (17થી 20) દરમ્યાન કુલ 1,565 રન બનાવ્યા. આ બાબતમાં તેનાથી માત્ર ધોની (2,786 રન) અને કીરૉન પોલાર્ડ (1,708 રન) આગળ છે. આ ડેથ ઓવર્સમાં કાર્તિકે 837 બૉલમાં કુલ 91 સિક્સર ફટકારી અને 186.97નો સ્ટ્રાઇક-રેટ નોંધાવ્યો.
(13) આઇપીએલમાં કાર્તિક કુલ 4,842 રન સાથે ટોચના રનકર્તાઓમાં 10મા નંબરે છે.
(14) આઇપીએલમાં વિકેટકીપર તરીકે કાર્તિકે 236 મૅચમાં 4,463 રન બનાવ્યા અને એ સંદર્ભમાં તે માત્ર ધોની (258 મૅચમાં 5,125 રન)થી જ પાછળ છે.