સખણાં રહે એ બીજા…દિગ્વેશ રાઠીએ ફરી વિવાદ જગાવ્યો | મુંબઈ સમાચાર

સખણાં રહે એ બીજા…દિગ્વેશ રાઠીએ ફરી વિવાદ જગાવ્યો

નવી દિલ્હીઃ દિગ્વેશ રાઠી (Digvesh Rathi) યાદ છેને? હા, તેણે ફરી એક વિવાદ ઊભો કર્યો છે. તેણે એક ટી-20 ટૂર્નામેન્ટની મૅચમાં હરીફ ટીમના બૅટ્સમૅન અંકિત કુમારના રિધમને અવરોધવાની કોશિશ કરી એટલે બન્ને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને પછી અંકિતે આ લેગ-સ્પિનરની ઓવરમાં બૅક-ટુ-બૅક સિક્સર ફટકારી હતી.

દિગ્વેશ રાઠીએ આ વખતની આઇપીએલ (IPL)માં વારંવાર હરીફ બૅટ્સમૅનની વિકેટ લીધા પછી નોટબુક બ્રેશન(NOTEBOOK CELEBRATION)ની સ્ટાઇલમાં તેને સૅન્ડ-ઑફ આપીને હરીફ ટીમનો કે આઇપીએલના મૅનેજમેન્ટનો જ નહીં, બીસીસીઆઈનો આક્રોશ વહોરી લીધો હતો. એક મૅચમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા સાથે વિવાદમાં ઊતર્યો હતો અને ત્યારે રાઠીને ગેરવર્તન બદલ એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: બોલર દિગ્વેશ રાઠી કંઈ મારો સગો નથી…રિષભ પંતે આ બહુ ખોટું કર્યું : અશ્વિને કેમ આવું કહ્યું?

2025ની આઇપીએલમાં રાઠી લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) વતી રમ્યો હતો. એ તેની પહેલી જ આઇપીએલ હતી અને વિવાદો બદલ તેની ગણના ટૂર્નામેન્ટના હાઈ-પ્રોફાઇલ પ્લેયર્સમાં થવા લાગી છે.

આઇપીએલ પૂરી થયાને બે મહિના થઈ ગયા અને રાઠી ફરી ન્યૂઝમાં ચમક્યો છે. આ વખતે તે દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં ચર્ચાસ્પદ થયો છે. તે ડીપીએલમાં દિલ્હી સુપરસ્ટાર્ઝ નામની ટીમ વતી રમે છે.

તે એક મૅચ દરમ્યાન વેસ્ટ દિલ્હી લાયન્સ ટીમના ઓપનર અંકિત કુમાર (ANKIT KUMAR)ને કંઈક બોલ્યો હતો જે અંકિતને નહોતું ગમ્યું અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે અંકિતે પછીથી રાઠીના ઉપરાઉપરી બે બૉલમાં સિક્સર ફટકારીને તેને વળતો જવાબ આપી દીધો હતો.

આપણ વાંચો: આઈપીએલઃ મેદાન પર બબાલ બાદ દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માને મળી આ સજા, જાણો વિગત

બન્યું એવું કે વેસ્ટ દિલ્હીની ઇનિંગ્સની પાંચમી ઓવર રાઠીએ કરી હતી. એક બૉલ ફેંકતી વખતે તે રન-અપ પર થોડું દોડ્યા બાદ અચાનક અટકી ગયો હતો. તેનો આશય અંકિતની એકાગ્રતા તોડવાનો હોવાનું મનાય છે. પછીથી એક બૉલ વખતે અંકિત પોતાના બૅટિંગ સ્ટાન્સમાંથી હટી ગયો હતો અને બન્ને વચ્ચે દલીલબાજી થઈ હતી.

રાઠીને ફરી મોરચા પર લાવવામાં આવ્યો ત્યારે અંકિતે તેના બે બૉલમાં બે સિક્સર ફટકારી દીધી હતી. તેણે લૉન્ગ-ઑન પરથી અને ડીપ મિડવિકેટ પરથી બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો હતો.

જોકે રાઠી માટે આ મૅચ શુકનવંતી નહોતી. તેને ત્રણ ઓવરમાં 33 રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી. બીજી બાજુ, અંકિત માટે આ મૅચ શુકનિયાળ હતી. તે માત્ર ચાર રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેણે 96 રન છ સિક્સર અને 11 ફોરની મદદથી બનાવ્યા હતા. તેના આ યોગદાનની મદદથી જ વેસ્ટ દિલ્હીની ટીમે 186 રનનો લક્ષ્યાંક માત્ર 15.4 ઓવરમાં મેળવી લીધો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button