કૉપા અમેરિકાની ફાઇનલમાં મેસીના આર્જેન્ટિના માટે કોલમ્બિયા સામે જીતવું કેમ મુશ્કેલ છે?
માયામી: ફૂટબૉલપ્રેમીઓ માટે રવિવારની મોડી રાત અને સોમવારની વહેલી સવાર ખૂબ જ વ્યસ્ત અને રોમાંચક બની રહેશે. રવિવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) યુરો-2024માં સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ રમાશે અને એના થોડા કલાકો બાદ સોમવારે (ભારતીય સમય અનુસાર વહેલી સવારે 5.30 વાગ્યાથી) યુએસએના માયામી શહેરમાં કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપમાં આર્જેન્ટિના અને કોલમ્બિયા વચ્ચે ફાઇનલ મુકાબલો થશે. બન્ને ફાઇનલ બરાબરીની ટીમો વચ્ચે રમાવાની છે અને એમાં ખાસ કરીને લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ કેટલાક કારણસર કોલમ્બિયાના જોરદાર મુકાબલાનો સામનો કરવો પડશે.
મેસીનું આર્જેન્ટિના કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપના સતત ત્રીજા ટાઇટલથી એક જ ડગલું દૂર છે, જ્યારે કોલમ્બિયાની ટીમ માટે આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ અવસર છે.
આર્જેન્ટિના સૌથી વધુ 15 વખત કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપ જીત્યું છે. ઉરુગ્વેના પણ 15 ટાઇટલ છે એટલે આર્જેન્ટિના આ વખતે જીતશે તો એણે 16 ટાઇટલ સાથે નવો વિક્રમ કર્યો કહેવાશે.
જોકે કોલમ્બિયા પાસે કૉપાનું એક જ ટાઇટલ છે. એ છેલ્લે 2001માં (23 વર્ષ અગાઉ) ચૅમ્પિયન બન્યું હતું એટલે એની ટીમ આ વખતે પોતાના દેશના બહુમૂલ્ય ટ્રોફી અપાવવા કોઈ કસર બાકી નહીં રાખે.
આર્જેન્ટિનાએ કોલમ્બિયા સામે ભારે સંઘર્ષ કરવો પડશે એ પાછળનું એક કારણ એ છે કે કોલમ્બિયાની ટીમ ઉરુગ્વે જેવી મજબૂત ટીમને સેમિ ફાઇનલમાં 1-0થી હરાવીને ફાઇનલમાં પહોંચી છે. એટલું જ નહીં, ખાસ તો કોલમ્બિયાએ છેલ્લી લાગલગાટ 28 મૅચમાં અપરાજિત રહીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. કોલમ્બિયા માટે આ વિક્રમી કૂચ છે. બીજું, કોલમ્બિયા 23 વર્ષમાં પહેલી જ વાર ફાઇનલમાં રમશે એટલે આ વખતે ટ્રોફી જીતીને જ જવાનો નિર્ધાર એની ટીમે કર્યો હશે એમાં બેમત નથી.
આ પણ વાંચો : EURO 2024 Highlights: યુરોમાં ઇંગ્લૅન્ડ-સ્પેન વચ્ચે રવિવારે ફાઈનલ જંગ
લિયોનેલ મેસી આર્જેન્ટિનાનો અને જેમ્સ રૉડ્રિગેઝ કોલમ્બિયાનો કૅપ્ટન છે.
ભારતીય સમય અનુસાર રવિવારે વહેલી સવારે 5.30 વાગ્યાથી ઉરુગ્વે અને કૅનેડા વચ્ચે ત્રીજા સ્થાન માટેનો મુકાબલો થશે.
કોણ કેવી રીતે ફાઇનલમાં પહોંચ્યું?
આર્જેન્ટિના
(1) લીગમાં કૅનેડા સામે 2-0થી જીત
(2) લીગમાં ચિલી સામે 1-0થી જીત
(3) લીગમાં પેરુ સામે 2-0થી જીત
(4) ક્વૉર્ટરમાં ઇક્વેડોર સામે 1-1ના ડ્રૉ બાદ પેનલ્ટીમાં 4-2થી જીત
(5) સેમિ ફાઇનલમાં કૅનેડા સામે 2-0થી જીત
કોલમ્બિયા
(1) લીગમાં પારાગ્વે સામે 2-1થી જીત
(2) લીગમાં કોસ્ટા રિકા સામે 3-0થી જીત
(3) લીગમાં બ્રાઝિલ સામે 1-1થી ડ્રૉ
(4) ક્વૉર્ટરમાં પનામા સામે 5-0થી જીત
(5) સેમિ ફાઇનલમાં ઉરુગ્વે સામે 1-0થી જીત