ડિકી બર્ડ બૅટ્સમૅનને આઉટ આપ્યા પછી સહાનુભૂતિ પણ બતાવતાઃ સુનીલ ગાવસકર

નવી દિલ્હીઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે ઇંગ્લૅન્ડના મહાન અમ્પાયર ડિકી બર્ડ (dickie bird)ના નિધન વિશે આપેલી પ્રતિક્રિયામાં તેમને અજબ અને અનોખી હસ્તી’ તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ખેલાડીઓની ચિંતા (tension)ને અને માનસિક દબાણને જલદી પારખી લેનારા અમ્પાયર હતા.’
66 ટેસ્ટ અને 69 વન-ડેમાં અમ્પાયરિંગ કરનાર ડિકી બર્ડના નિધનના સમાચાર જાણીને સની ગાવસકરે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે ` ડિકી બર્ડના અવસાનની વાત જાણીને મને ખૂબ દુઃખ થયું. પ્રથમ કક્ષાના સ્તરે ડિકી ઘણું ક્રિકેટ રમ્યા હતા એટલે ખેલાડીઓ કેવા પ્રકારની ચિંતામાંથી પસાર થતા હોય છે અને તેમના પર કેવું માનસિક દબાણ (pressures) હોય છે એ બહુ સારી રીતે જાણતા હતા.’
ગાવસકરે ડિકી બર્ડને અનોખી હસ્તી તરીકે ઓળખાવતા કહ્યું, ` જો ડિકી બર્ડનો કોઈ નિર્ણય બૅટ્સમૅનની તરફેણમાં ન ગયો હોય અને એ બૅટ્સમૅન અત્યંત નિરાશામાં ડૂબી ગયો હોય તો ડિકી તેના પ્રત્યે સહાનુભૂતિ પણ બતાવતા હતા. ક્રિકેટની રમતે એક અનોખી હસ્તી ગુમાવી છે.’
ગાવસકરે પીટીઆઇને એવું પણ કહ્યું કે ` ખેલાડીઓ ડિકીને ખૂબ પ્રેમ કરતા અને તેમના પ્રત્યે સન્માન તથા સ્નેહ બતાડતા હતા, કારણકે ડિકી હંમેશાં બે ઓવરની વચ્ચે અને ક્યારેક તો બે બૉલની વચ્ચે બૅટ્સમૅન પાસે પહોંચીને વાતચીત કરી લેતા હતા. ક્રિકેટ જગતે અસાધારણ અમ્પાયર ગુમાવ્યા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.’
ખુદ ડિકી બર્ડને પણ ગાવસકર પર ખૂબ માન હતું. ડિકીએ ગાવસકરને બેસ્ટ બૅટિંગ ટેક્નિક ધરાવનાર બૅટ્સમૅન તરીકે ઓળખાવ્યા હતા.
આ પણ વાંચો…વાનખેડેમાં સ્ટૅચ્યૂના અનાવરણ વખતે સુનીલ ગાવસકર ભાવુક થયા…