ટીમ ઇન્ડિયાના નવા સ્ટારે કહ્યું, ‘મમ્મી-પપ્પા, આપ દોનોં સે ઝમાના હૈ, ઔર અભી બહોત નામ કમાના હૈ’
લખનઉ: છેલ્લા થોડા વર્ષોથી ભારતના નાના નગરો કે ગામોમાંથી ઘણા ક્રિકેટરો તથા ઍથ્લીટો પોતાની ટૅલન્ટ અને કાબેલિયતને આધારે નૅશનલ ટીમ સુધી પહોંચ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું તેમ જ પોતાના રાજ્ય અને સ્થાનિક વિસ્તારનું નામ રોશન કર્યું છે. આમાંના ઘણા ખેલાડીઓ આ સૌભાગ્ય મળવા બદલ પોતાના પરિવારને કે કોચને કે મિત્રોનો ઉપકાર નથી ભૂલતા હોતા અને નિખાલસપણે મીડિયામાં લાગણીએા વ્યક્ત કરી દેતા હોય છે.
ચાર વર્ષ પહેલા રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપની ભારતીય ટીમો વાઇસ-કૅપ્ટન રહી ચૂકેલો ઉત્તર પ્રદેશનો બાવીસ વર્ષીય વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે આવા જ ભાવ ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ-શ્રેણી માટેની પ્રથમ બે મૅચ માટેની ટીમમાં સ્થાન મળતાં વ્યક્ત કર્યા છે.
રોહિત શર્માની ટીમમાં ત્રીજા વિકેટકીપર તરીકે જુરેલનો સમાવેશ કરાયો છે. આ સુવર્ણ મોકો મળતાં ખુદ જુરેલને આશ્ર્ચર્ય થયું છે અને એ સાથે તેણે આ તક બદલ પત્રકારોને આપેલી મુલાકાતમાં સૌથી પહેલાં તેના મમ્મી-પપ્પાનો આભાર માન્યો છે.
જુરેલે પોતાને આ સ્તર સુધી પહોંચાડવામાં તેના મમ્મી-પપ્પાએ આપેલા બલિદાનોની વાત કરવાની સાથે ટ્વીટમાં લખ્યું છે, ‘મમ્મી-પપ્પા, આપ દોનોં સે ઝમાના હૈ, ઔર અભી બહોત નામ કમાના હૈ.’
જુરેલે લખ્યું છે કે ‘મને ક્રિકેટર બનાવવા મારા મમ્મી અને પપ્પાએ જે બલિદાનો આપ્યા છે એ માટે હું થૅન્ક યુ કહીશ તો એ બહુ ઓછું કહેવાશે. તેમણે ખૂબ સંઘર્ષ કર્યો કે જેથી તેમનો આ દીકરો બૅટ પકડી શકે અને ક્રિકેટ રમી શકે. હું તેમને વચન આપું છું કે મને આ જે સફળતા મળી છે એ તો હજુ શરૂઆત છે.’
જુરેલના પપ્પા ભૂતપૂર્વ લશ્કરી જવાન છે. તેમણે જ્યારે પુત્રને ભારતીય ટીમમાંના સમાવેશ વિશે પૂછ્યું ત્યારે તેણે તરત કહ્યું, ‘ડૅડીએ મને પૂછ્યું કે કઈ ભારતીય ટીમમાં તારો સમાવેશ કરાયો છે? ત્યારે મેં તેમને કહ્યું કે રોહિત ભૈયા અને વિરાટ ભૈયા કી ટીમ મેં.’