સ્પોર્ટસ

ધ્રુવ જુરેલનો સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં નંબર લાગી ગયો, જાણો કઈ બે સેન્ચુરી ફળી

કોલકાતાઃ વિકેટકીપર-બૅટ્સમૅન ધ્રુવ જુરેલે ગયા મહિને અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં જે મૅચ-વિનિંગ સેન્ચુરી (125 રન) કરી ત્યાર બાદ બેંગલૂરુમાં તેણે ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં ઇન્ડિયા-એ વતી બન્ને દાવમાં જે સદી (અણનમ 132 અને અણનમ 127) ફટકારી એ તેને ખૂબ ફળી છે, કારણકે શુક્રવારે કોલકાતા (Kolkata)ના ઇડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી સિરીઝની પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને તેનો સમાવેશ કરાશે એવો અહેવાલ મળ્યો છે.

ઇન્ડિયા-એ વતી તે રિષભ પંતની કૅપ્ટન્સીમાં રમ્યો હતો અને હવે ટીમ ઇન્ડિયામાં તેની સાથે રમશે. જોકે રિષભ પંત ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે રમશે.

આપણ વાચો: રાહુલ-જુરેલે સેન્ચુરી કોને સમર્પિત કરી?: જાડેજાની જૂની ને જાણીતી સ્ટાઇલ પણ જોવા જેવી છે!

જુરેલ બહુ સારા ફૉર્મમાં છે. પ્રથમ કક્ષાની છેલ્લી પાંચ મૅચમાં તેણે કુલ ચાર સેન્ચુરી ફટકારી છે. રિષભ પંત થોડા જ દિવસ પહેલાં પગના ફ્રૅક્ચરની ઈજામાંથી મુક્ત થઈને પાછો રમવા આવ્યો છે. પીટીઆઇએ આઠમી નવેમ્બરે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે પંત જો વિકેટકીપર તરીકે ટીમમાં પાછો આવશે તો જુરેલ (Jurel) બૅટ્સમૅન તરીકે ટીમમાં સ્થાન મેળવશે. ખરેખર એવું જ બની રહ્યું છે.

સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં જુરેલે પહેલી ઇનિંગ્સમાં છઠ્ઠા નંબરે અને બીજી ઇનિંગ્સમાં સાતમા ક્રમે બૅટિંગ કરી હતી અને બન્ને ક્રમે તેણે સદી ફટકારી હતી. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પ્રથમ કક્ષાની છ ઇનિંગ્સમાં તેના સ્કોર આ મુજબ રહ્યા છેઃ 140, 56, 125, 44, 132 અણનમ અને 127 અણનમ. એ જોતાં, જુરેલ બૅટિંગ લાઇન-અપમાં ક્યાંય પણ ફિટ થઈ શકે એમ છે. પંતને વારંવાર ઈજા થતી હોય છે અને ન કરે નારાયણ, પંતને મૅચ દરમ્યાન કોઈ ઈજા થશે તો સ્ટમ્પ્સની પાછળ જુરેલને ઊભા રહી જવાનું કહેવામાં આવશે.

ભારતની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ

શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ/આકાશ દીપ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button