સ્પોર્ટસ

ધ્રુવ જુરેલ માંડ સાત ટેસ્ટ રમ્યો ને એમાં ભારત માટે બની ગયો નવો લકી ચાર્મ!

નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમ ઇન્ડિયાથી થોડા મહિનાઓથી દૂર છે અને તેના સ્થાને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને રમવાનો મોકો મળી ગયો છે જેનો અનાયાસે મોટો ફાયદો જુરેલને થયો છે. મંગળવારે જુરેલ સાતમી વાર ભારતીય ટીમ માટે નસીબવંતો સાબિત થયો એ ઉપરાંત તેણે ભુવનેશ્વર કુમાર (BHUVANESHWAR KUMAR )ને ઝાંખો પણ પાડી દીધો હતો.

ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલો જુરેલ 24 વર્ષનો છે. તેણે ફેબ્રુઆરી, 2024માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચથી ટેસ્ટ-ક્રિકેટમાં પ્રવેશ (DEBUT) કર્યો હતો અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તે ભારત વતી જે સાત ટેસ્ટ રમ્યો છે એ તમામ સાત ટેસ્ટમાં ભારત જીત્યું છે. આ ભારતીય વિક્રમ અગાઉ પેસ બોલર ભુવનેશ્વરના નામે હતો. 2013માં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભુવી જે પ્રથમ છ ટેસ્ટ રમ્યો હતો એ તમામ છ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો.

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ બાદ ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમશે! જુઓ શેડ્યૂલ

ધ્રુવ જુરેલની સાત વિજયી ટેસ્ટઃ (1) ફેબ્રુઆરી, 2024માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો 434 રનથી વિજય (2) ફેબ્રુઆરી, 2024માં રાંચીમાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો પાંચ વિકેટે વિજય (3) માર્ચ, 2024માં ધરમશાલામાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો એક દાવ અને 64 રનથી વિજય (4) નવેમ્બર, 2025માં પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો 295 રનથી વિજય (5) જુલાઈ 2025માં ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો છ રનથી વિજય (6) ઑક્ટોબર, 2025માં અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો એક દાવ અને 140 રનથી વિજય (7) ઑક્ટોબર, 2025માં દિલ્હીમાં ભારતનો સાત વિકેટે વિજય.

ધ્રુવ જુરેલનું સ્થાન ટીમ ઇન્ડિયામાં નિશ્ચિત નથી એમ છતાં તેણે એવો વિક્રમ કર્યો છે કે જે હવે પછી કયો ભારતીય ખેલાડી ક્યારે તોડશે એ કહેવું મુશ્કેલ છે. એનું મોટું કારણ એ છે કે હવે ટેસ્ટ મૅચો ઓછી રમાય છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button