સ્પોર્ટસ

ધ્રુવ જુરેલ પોતે જ પોતાના આ વિનિંગ રેકૉર્ડના અંત માટે જવાબદાર

કોલકાતા: ટેસ્ટનું વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) માત્ર અઢી દિવસની અંદર રવિવારે ભારત (india) સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતી જીત્યું અને ભારતની ધરતી પર તેમણે 15 વર્ષે પહેલી વાર મેળવેલા આ વિજય માટે ભારતના બૅટ્સમેનોનો ફ્લૉપ-શૉ જવાબદાર હતો એમ ચોક્કસપણે કહી શકાય, પરંતુ ધ્રુવ જુરેલની પણ એક લાપરવાહી હતી જેને લીધે તે પોતે જ પોતાનો વિક્રમીરથ અટકાવી દેવા માટે જવાબદાર કહેવાય.

ધ્રુવ જુરેલ (Dhruv Jurel) રવિવાર પહેલાં 2024માં શરૂ કરેલી ટેસ્ટ કારકિર્દીની જે સાત મૅચ રમ્યો હતો એ સાતેયમાં તેણે ભારતને જીતતું જોયું હતું અને તેનો એ રેકૉર્ડ રવિવારની હાર સાથે તૂટી ગયો છે.

બન્યું એવું કે 33 રન પર ભારતની બે જ વિકેટ પડી હતી અને 124 રનનો લક્ષ્યાંક જરાય દૂર નહોતો. એક રનના કુલ સ્કોર પર રાહુલની બીજી વિકેટ પડી હતી ત્યાર પછી વૉશિંગ્ટન સુંદર સાથે જુરેલની 32 રનની ભાગીદારી પણ થઈ હતી.

જોકે સ્પિનર સાઇમન હાર્મરના બૉલમાં જુરેલ ઉતાવળે ચોગ્ગો ફટકારવાના પ્રયાસમાં પુલ શૉટ ફટકારી બેઠો હતો અને લેગ સાઇડ પર ડીપમાં કોર્બિન બૉશ્ચે તેનો આસાન કૅચ ઝીલી લીધો હતો. ત્યાર પછી ભારતીય ટીમે એક પછી એક વિકેટ ગુમાવી હતી અને છેવટે ભારત 30 રનથી હારી ગયું હતું.

જુરેલે ગયા અઠવાડિયે બેંગ્લૂરુમાં સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર ટેસ્ટના બંને દાવમાં સેન્ચુરી (અણનમ 132 અને અણનમ 127 રન) ફટકારી હતી એ જ પર્ફોર્મન્સ બદલ તેને કોલકાતાની ટેસ્ટમાં નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને રમાડવામાં આવ્યો હતો. જોકે તેણે આ ટેસ્ટમાં નબળા પર્ફોર્મન્સ સાથે અને ખાસ કરીને બીજા દાવમાં બેદરકારીભર્યા શૉટમાં વિકેટ ગુમાવીને સાઉથ આફ્રિકાનો વિજય આસાન કરી દીધો હતો.

આપણ વાંચો:  ભારતીય ક્રિકેટરો નીચું માથું કરીને બસમાં બેસી રહ્યા હતા ત્યારે સાઉથ આફ્રિકાના ડ્રેસિંગ રૂમમાં શેમ્પેઇનની બૉટલ સાથે સેલિબ્રેશન ચાલતું હતું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button