વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સ (ડીસી)એ પહેલી બન્ને મૅચમાં પરાજય જોયા પછી રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને આ સીઝનની બે જીત પછીની પહેલી હાર જોવડાવી હતી.
વિશાખાપટ્ટનમ દિલ્હી માટે શુકનવંતુ નથી, પણ હવે કદાચ કહેવાશે. કારણ એ છે કે આ મેદાન પરથી જ એનો કૅપ્ટન રિષભ પંત પાછો ફૉર્મમાં આવ્યો છે અને તેની ટીમે જીતવાની શરૂઆત કરી દીધી છે. ચેન્નઈની ટીમ 192 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં છ વિકેટે 171 રન બનાવી શકતા દિલ્હીએ 20 રનથી જીતીને આ સીઝનમાં પહેલી વાર બે પૉઇન્ટ લીધા હતા.
દિલ્હીએ પહેલાં તો ટૉપ-ઑર્ડરની ત્રણ શાનદાર ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે 191 રન બનાવ્યા હતા અને ત્યાર પછી એના સાત બોલરમાંથી પેસ બોલર મુકેશ કુમારે (3-0-21-3) ઉપરાઉપરી ત્રણ વિકેટ લઈને ચેન્નઈનો મિડલ-ઑર્ડર તોડી નાખ્યો હતો. તેણે અજિંક્ય રહાણે (45 રન, 30 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), શિવમ દુબે (18 રન, 17 બૉલ, એક ફોર)અને દિલ્હીએ 8.40 કરોડ રૂપિયામાં ખરીદેલા સમીર રિઝવી (ફર્સ્ટ બૉલ ડક)ને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો. ખલીલ અહમદે બે અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. ઇશાન્ત, નોર્કિયા, મિચલ માર્શ અને રસિખ સલામને વિકેટ નહોતી મળી.
ચેન્નઈની ટીમ 192 રનના લક્ષ્યાંક સામે ખરાબ શરૂઆત બાદ છેવટે છ વિકેટે 171 રન બનાવી શકી હતી. શક્યત: છેલ્લી આઇપીએલ રમી રહેલા એમએસ ધોનીએ અસલ મિજાજમાં રમીને 16 બૉલમાં ત્રણ છગ્ગા તથા ચાર ચોક્કાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. તે અને રવીન્દ્ર જાડેજા (17 બૉલમાં બે ફોર સાથે અણનમ 21 રન) વચ્ચે સાતમી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી અને તેમની જોડીએ ચેન્નઈને વિજયની આશા અપાવી હતી, પણ એ પાણીમાં ગઈ હતી. ધોની આવતાંવેંત ફોર ફટકાર્યા બાદ એક જીવતદાન મળ્યા પછી જે આક્રમકતાથી રમ્યો હતો એ જોતાં કહી શકાય કે તેને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે છેક આઠમા નંબરને બદલે વહેલો મોકલ્યો હોત તો મૅચનું પરિણામ જૂદું હોત. 20મી ઓવર નોર્કિયાએ કરી હતી જેની શરૂઆત વખતે ચેન્નઈએ 41 રન બનાવવાના હતા જે સંભવ નહોતા. જોકે એ ઓવરમાં ધોનીએ 20 રન (4, 6, 0, 4, 0, 6) ઝૂડી કાઢ્યા હતા. એની પહેલાંની મુકેશ કુમારની 19મી ઓવર અસરદાર હતી, કારણકે એમાં માત્ર પાંચ બની શક્યા હતા.
ડેરિલ મિચલ 34 રનની ટૂંકી, પણ આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો અને અક્ષરે પોતાના જ બૉલમાં તેનો કૅચ પક્ડ્યો હતો.
એ પહેલાં, દિલ્હીએ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે જે 191 રન બનાવ્યા હતા એમાં કૅપ્ટન રિષભ પંત (51 રન, 32 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ઇનિંગ્સ ઊડીને આંખે વળગે એવી હતી, કારણકે પંત 465 દિવસે પહેલી હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. કાર-અકસ્માત બાદ તે ડિસેમ્બર, 2022 પછી નહોતો રમી શક્યો.
દિલ્હીના 191 રનમાં પૃથ્વી શોના 43 રન હતા જે તેણે 27 બૉલમાં બે સિક્સર, ચાર ફોર સાથે બનાવ્યા હતા. ડેવિડ વૉર્નર ફક્ત 35 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી 51 રન બનાવી શક્યો હતો. તેની અને પૃથ્વી વચ્ચે 93 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ચેન્નઈ વતી પથિરાનાએ ત્રણ તેમ જ જાડેજા અને મુસ્તફિઝુરે એક-એક વિકેટ લીધી હતી.
Taboola Feed