2020ની 15મી ઑગસ્ટ યાદ છેને? ધોની અને રૈનાએ જ્યારે સૌને ચોંકાવી દીધા હતા!

રાંચીઃ ભારતના નામાંકિત ક્રિકેટરો સાગમટે નિવૃત્તિ જાહેર કે એકમેકના પગલે આ મોટો નિર્ણય લે એવું 2020થી 2024 દરમ્યાન બે વખત બન્યું હતું અને એમાં પણ પાંચ વર્ષ પહેલાંની 15મી ઑગસ્ટની એક જાહેરાત યાદ આવતાં હજી પણ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓને આંચકો લાગતો હશે.
વાત એવી છે કે 2020ના આઝાદી દિને દેશના મહાન વિકેટકીપર-બૅટ્સમૅન અને સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેને પગલે સુરેશ રૈનાએ પણ થોડી વાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2024ની વાત કરીએ તો એ વર્ષના જૂનને અંતે ભારતે જ્યારે બ્રિજટાઉનમાં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે રોહિત શર્માએ, વિરાટ કોહલીએ અને રવીન્દ્ર જાડેજાએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.
ધોની (DHON) આમ તો સોશ્યલ મીડિયામાં ખાસ કંઈ સક્રિય નથી, પરંતુ 2020ની 15મી ઑગસ્ટે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કરોડો ચાહકોને ચોંકાવી દીધા હતા.
આપણ વાંચો: ધોની હવે નિવૃત્તિ લેશે કે નહીં? ચેન્નઈના ફંક્શનમાં આપ્યું મોટું નિવેદન
એ વીડિયોમાં બૅકગ્રાઉન્ડમાં કભી કભી' ફિલ્મનું
મૈં પલ દો પલ કા શાયર હૂં…’ ગીત સંભળાતું હતું અને માહીએ કૅપ્શનમાં લખેલું, ` મને હંમેશાં તમારો પ્રેમ અને સપોર્ટ મળ્યો જે બદલ તમારો આભાર. સાંજે 7.29 વાગ્યા પછી મને નિવૃત્ત સમજી લેજો.’
43 વર્ષીય ધોની અંતિમ વન-ડે 2019માં રમ્યો હતો જેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતે 18 રનથી પરાજય સહન કરવો પડ્યો હતો. ધોની કુલ 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો અને એમાં તેણે કુલ મળીને 16 સેન્ચુરી તથા 108 હાફ સેન્ચુરીની મદદથી કુલ 17,266 રન કર્યા હતા. ધોનીના સુકાનમાં ભારત ત્રણ આઇસીસી ટાઇટલ (2007નો ટી-20 વર્લ્ડ કપ, 2011નો વન-ડે વર્લ્ડ કપ, 2013ની ચૅમ્પિયન્સ ટ્રોફી) જીત્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પાંચ ટાઇટલ અપાવનાર ધોનીને ચેન્નઈવાસીઓ સહિત સીએસકેના ચાહકો થાલા' (લીડર) તરીકે અને આ જ ટીમ વતી રમી ચૂકેલા સુરેશ રૈનાને
ચિન્ના થાલા’ તરીકે ઓળખાવે છે.
38 વર્ષના સુરેશ રૈનાએ 300થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મૅચોમાં કુલ 8,000થી વધુ રન કર્યા હતા.