ધોનીએ ફુલ્લી ફિટ થવા બૅટ નહીં, રૅકેટ હાથમાં લીધું
માહીને આઇપીએલની તૈયારીમાં શૉટને બદલે સ્મૅશનો ચટાકો લાગ્યો

રાચી: મહેન્દ્રસિંહ ધોનીએ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલનું પાંચમું ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થવા માગતો હતો, પણ કરોડો ચાહકોના સ્નેહને કારણે ત્યારે તેણે રિટાયરમેન્ટનો પ્લાન મોકૂફ રાખ્યો અને 2024ની આઇપીએલને અંતે પણ આ ટૂર્નામેન્ટ છોડવાની જાહેરાત ન કરી. હવે તો લાગે છે કે તે 2025ની આ સીઝન અસ્સલ ફૉર્મમાં રમવા માગતો હોય એવું લાગે છે. જુઓને, એટલે જ તે બૅડમિન્ટન રમીને ફિટનેસને 100 ટકા પૂર્ણ કરવામાં મશગૂલ છે.
ધોની આમ તો કરીઅરના અંતની લગોલગ છે, પણ ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને (કે પછી થોકબંધ એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ સાઇન થઈ ગયા હશે અને એની મુદત પૂરી થાય ત્યાં સુધી) રમતા રહેવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. ક્રિકેટ પ્રત્યેની તેની પૅશન અજોડ જરૂર છે, પરંતુ 2023ની આઇપીએલ પછી એક જ અઠવાડિયા બાદ મુંબઈમાં ડૉ. દિનશા પારડીવાલા પાસે ઘૂંટણની સર્જરી કરાવનાર માહીભાઈ બૅટને બદલે થોડો સમય બૅડમિન્ટનનું રૅકેટ હાથમાં લેશે એવું તો કોઈએ ધાર્યું પણ નહીં હોય.
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો આ બાદશાહ બૅડમિન્ટનની કોર્ટમાં પહોંચીને ત્યાં ક્રિકેટના શૉટને બદલે બૅડમિન્ટનના સ્મૅશનો ક્રેઝી થઈ ગયો છે. શૉટ ફટકારવાને બદલે ચપળતા અને તાકાતથી બૅડમિન્ટનના રૅકેટ વડે શટલ-કૉક ફટકારવાની તેની આવડત જોઈને એવું લાગી રહ્યું છે કે તે જો ક્રિકેટને બદલે વિશ્ર્વના ટોચના ખેલાડીઓમાં જરૂર ગણાતો હોત.
વિરાટ કોહલીની ફિટનેસ ક્રિકેટર્સમાં અજોડ છે, પરંતુ 42 વર્ષનો ધોની પણ કંઈ કમ નથી. ક્રિકેટમાં કરીઅર શરૂ કરતાં પહેલાં ટિકિટ ચેકરની નોકરી કરનાર ધોની સ્કૂલ-કૉલેજમાં ફૂટબૉલ જ રમતો હતો અને તે ટીમનો ગોલકીપર હતો. હાલમાં તે લગભગ દરેક ટ્રેઇનિંગ-સેશનમાં બૅડમિન્ટન ઉપરાંત થોડું ફૂટબૉલ પણ રમી લેતો હોય છે.
ધોનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, ‘2020 પછી હું આખું વર્ષ ક્રિકેટ નથી રમતો એટલે આઇપીએલ માટે ફિટ રહેવું મારા માટે મોટો પડકાર બની જાય છે. ખાસ કરીને યુવાન ખેલાડીઓ સામે રમવું મોટી ચૅલેન્જ બની જાય છે. મારે ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસ ઉપરાંત ખાવા-પીવા પર પણ ખૂબ ધ્યાન આપવું પડે છે. હા, એ સારું છે કે મને સોશિયલ મીડિયાનું વળગણ નથી. હું સોશિયલ મીડિયા પર છું જ નહીં એટલે બહુ સારી એકાગ્રતા રાખી શકું છું.’