વિરાટ કોહલી જેવા દેખાતા આ ફીલ્ડરે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી!
ગૉલ: અહીં ન્યૂ ઝીલૅન્ડની ટીમ યજમાન શ્રીલંકા સામે સતત બીજી ટેસ્ટ હારવાની તૈયારીમાં તો છે જ, આ મૅચમાં શ્રીલંકનોએ ટિમ સાઉધીની ટીમની એટલી બધી ખરાબ હાલત કરી છે કે વાત ન પૂછો. શનિવારે પોતાની સામેના લોએસ્ટ સ્કોર 88 રનમાં કિવીઓને ઑલઆઉટ કરવામાં આવ્યા એમાં સ્પિનર પ્રભાત જયસૂર્યા (42 રનમાં છ વિકેટ) અને નિશાન પેઇરિસ (33 રનમાં ત્રણ વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી જ, સ્લિપમાં ફીલ્ડિંગ કરનાર કૅપ્ટન ધનંજય ડિસિલ્વાનું યોગદાન પણ કંઈ નાનું નહોતું. તેણે ત્યાં ઊભા-ઊભા એક વિશ્ર્વ વિક્રમની બરાબરી કરી લીધી હતી.
વાત એવી છે કે ધનંજયે સ્લિપમાં પાંચ કૅચ પકડ્યા હતા. ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં ટેસ્ટના એક દાવમાં (વિકેટકીપર સિવાય) કોઈ ફીલ્ડરે સૌથી વધુ કૅચ પકડ્યા હોય એવા ફીલ્ડર્સના લિસ્ટમાં હવે ધનંજયનું નામ પણ જોડાઈ ગયું છે. 1936થી માંડીને 2023 સુધીમાં કુલ 14 ફીલ્ડરના નામે ટેસ્ટની એક ઇનિંગ્સમાં પાંચ કૅચ પકડવાનો વર્લ્ડ રેકૉર્ડ હતો. હવે ધનંજય પણ તેમની સાથે જોડાયો છે. તેણે કૉન્વે, કેન વિલિયમસન, ટૉમ બ્લન્ડેલ, ગ્લેન ફિલિપ્સ અને ટિમ સાઉધીનો કૅચ પકડ્યો હતો.
અગાઉ ટેસ્ટના એક દાવમાં પાંચ કૅચ પકડનાર ખેલાડીઓમાં ભારતના યજુર્વિન્દ્ર સિંહ ઉપરાંત વી. વાય. રિચર્ડસન, અઝહરુદ્દીન, કે. શ્રીકાંત, ફ્લેમિંગ, ગ્રેમ સ્મિથ, ડૅરેન સૅમી, ડૅરેન બ્રાવો, અજિંક્ય રહાણે, બ્લૅકવૂડ, સ્ટીવ સ્મિથ (બે વખત), બેન સ્ટૉક્સ, થિરિમાનેનો સમાવેશ છે.