ડેવાલ્ડ બ્રેવિસની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ ઑસ્ટ્રેલિયાની નવ મૅચની વિજય-કૂચ અટકી…

ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): તાજેતરમાં જ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને પહેલી વાર વિશ્વ સ્તરની ટ્રોફી જીતનાર સાઉથ આફ્રિકાએ અહીં મંગળવારે કાંગારૂઓની ટીમને ટી-20 સિરીઝની બીજી મૅચમાં ડેવાલ્ડ બ્રેવિસ (DEWALD BREVIS)ની વિક્રમજનક સદીની મદદથી 53 રનના માર્જિનથી હરાવીને સિરીઝને 1-1થી બરાબરીમાં લાવી દીધી હતી. સિરીઝ ત્રણ મૅચની છે અને પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયા (Australia) જીત્યું હતું.
બાવીસ વર્ષના બ્રેવિસે આઠ સિક્સર અને બાર ફોરની મદદથી અણનમ 125 રન કર્યા હતા અને એ સાથે તેણે સાઉથ આફ્રિકનોમાં ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર ધરાવનાર ફાફ ડુ પ્લેસીનો 119 રનનો 10 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
સાઉથ આફ્રિકા (south Africa)એ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 218 રન કર્યા હતા જેમાં બ્રેવિસના અણનમ 125 રનને બાદ કરતા બીજા કોઈની હાફ સેન્ચુરી પણ નહોતી. ઑસ્ટ્રેલિયા વતી ગ્લેન મૅક્સવેલ અને ડવારશુઇસે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાની ટીમ 219 રનના લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 165 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં એકમાત્ર ટિમ ડેવિડ (50 રન, 24 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી હતી. કૅપ્ટન મિચલ માર્શ (22), ટ્રૅવિસ હેડ (5), કૅમેરન ગ્રીન (9), મૅક્સવેલ (16) સારું રમવામાં નિષ્ફળ ગયા હતા.
Halfway through the chase, and the heat is on in Marrara!
— Proteas Men (@ProteasMenCSA) August 12, 2025
The Proteas hunt for more breakthroughs as Australia moves to 104/3 after 10 overs, still needing 115 runs from 60 balls. #WozaNawe pic.twitter.com/F8I6xL605A
સાઉથ આફ્રિકાના 19 વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ક્વેના મફાકા અને પેસ બોલર કૉર્બિન બૉસ્ચે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બ્રેવિસને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. હવે નિર્ણાયક ટી-20 શનિવાર, 16મી ઑગસ્ટે (ભારતીય સમય મુજબ બપોરે 2.45 વાગ્યાથી) કેન્સમાં રમાશે.
મંગળવારના પરાજ્ય સાથે ઓસ્ટ્રેલિયાની સતત નવ ટી 20 મેચની વિજયકૂચ થંભી ગઈ હતી.