સ્પોર્ટસ

રનઆઉટ હોવા છતાં કોઈએ અપીલ ન કરી એટલે અમ્પાયરે અલ્ઝારી જોસેફને આઉટ ન આપ્યો!

ઍડિલેઇડ: રન દોડતી વખતે બે બૅટર વચ્ચે ગેરસમજ થાય અને એનો ફાયદો ઉઠાવીને હરીફ ટીમ બેમાંથી એકને રનઆઉટ કરી દે એવું ઘણી વાર બનતું હોય છે. આ સ્થિતિમાં બે બૅટરમાંથી કોઈ એક બૅટર યા તો રનઆઉટ થઈ જતો હોય છે અથવા પોતાની વિકેટનું બલિદાન આપી દેતો હોય છે. જોકે કોઈ બૅટર સ્પષ્ટપણે રનઆઉટ હોવા છતાં તેને આઉટ ન આપવામાં આવે એવું તો જવલ્લે જ બને. કહીએને કે લાખોમાં આવો એકાદ કિસ્સો બને.

રવિવારે ઍડિલેઇડમાં ગ્લેન મૅક્સવેલે વિશ્વવિક્રમી સેન્ચુરી (રોહિત શર્માની જેમ પાંચમી ટી-20 સદી) ફટકારીને ઑસ્ટ્રેલિયાને સિરીઝની ટ્રોફી પર કબજો અપાવ્યો, પણ એ વિજય મળતાં પહેલાં ઑસ્ટ્રેલિયનો થોડી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

બન્યું એવું કે હૅઝલવૂડની 18મી ઓવરમાં જેસન હોલ્ડરની હૅટ-ટ્રિક ફોર છતાં વેસ્ટ ઇન્ડિઝ માટે જીતવું મુશ્કેલ હતું, કારણકે તેમણે છેલ્લા 12 બૉલમાં 53 રન બનાવવાના હતા. 19મી ઓવર સ્પેન્સર જૉન્સને કરી હતી જેના ત્રીજા બૉલમાં બૅટર અલ્ઝારી જોસેફ શૉટ મારીને રન દોડ્યો હતો. જોકે તે દેખીતી રીતે રનઆઉટ થઈ ગયો હોવા છતાં ઑસ્ટ્રેલિયન ટીમમાંથી કોઈએ પણ અપીલ નહોતી કરી એટલે અમ્પાયરે જોસેફને આઉટ ન આપ્યો. દેખીતી રીતે કોઈએ સિરિયસલી અપીલ કરી જ નહોતી, બોલર જૉન્સન અને બધા ફીલ્ડરોએ હળવાશથી લીધું હતું જેને કારણે જોસેફ બચી ગયો હતો. ટિમ ડેવિડે દલીલ કરી કે તેણે અપીલ કરી હતી. જોકે અમ્પાયરે કહ્યું કે ક્રિકેટના કાયદાની રીતે સ્પષ્ટ અપીલ થઈ જ નહોતી એટલે બૅટરને આઉટ આપી જ ન શકાય.

ઑસ્ટ્રેલિયાની ટીમે બિગ સ્ક્રીન પર રિપ્લે જોયા પછી સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું, પણ અમ્પાયરે કહ્યું કે ‘અપીલ જ કોણે કરી હતી? કોઈએ નહીં. એટલે જોસેફ નૉટઆઉટ.’

જોકે એ ઓવરમાં ફક્ત છ રન બન્યા હતા અને સ્ટોઇનિસની 20મી ઓવરમાં કૅરિબિયનોએ 47 રન બનાવવાના આવ્યા જે અસંભવ હતા અને એ અંતિમ ઓવરમાં 12 રન બન્યા અને ઑસ્ટ્રેલિયાએ 34 રનથી વિજય મેળવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button