રિઝવાન લડ્યો છતાં ન્યૂ ઝીલૅન્ડે ૪-૦થી સરસાઈ મેળવી લીધી

શાહીન આફ્રિદીની ટીમે હવે વ્હાઈટવૉશથી બચવું પડશે
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારે પાકિસ્તાનને પાંચ મૅચની ટી-૨૦ સિરીઝની ચોથી મૅચમાં પણ હરાવીને ૪-૦થી વિજયી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. એકમાત્ર મોહમ્મદ રિઝવાન (૬૩ બૉલમાં અણનમ ૯૦) કિવી બોલર્સ સામે લડ્યો હતો. બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. રિઝવાન ૧૦ રન માટે બીજી ટી-૨૦ સદી ચૂકી ગયો હતો. મૅટ હેન્રી અને લૉકી ફર્ગ્યુસને બે-બે વિકેટ લીધી હતી.
ન્યૂ ઝીલૅન્ડે મૅન ઑફ ધ મૅચ ડેરિલ મિચલ (અણનમ ૭૨, ૪૪ બૉલ, બે સિક્સર, સાત ફોર) અને ગ્લેન ફિલિપ્સ (૭૦ અણનમ, બાવન બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની ૧૩૯ રનની અતૂટ ભાગીદારીની મદદથી ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૯ રન બનાવીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.
સિરીઝનો સુપરહીરો ફિન ઍલન આ મૅચમાં માત્ર આઠ રનમાં આઉટ થઈ ગયો હતો. હવે પાંચમી મૅચ બાકી છે એ સાથે શાહીન શાહ આફ્રિદીની ટીમે ૦-૫ના વ્હાઇટવૉશથી બચવા કમર કસવી પડશે. ખુદ આફ્રિદીએ શુક્રવારની મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે આ ત્રણેય શિકાર બે ઓવરમાં કર્યાં હતા. જોકે તેના સિવાય બીજા ચારમાંથી એક પણ બોલરને વિકેટ નહોતી મળી.