ઓહ નો! ટૉપ ઓર્ડરના છમાંથી પાંચ બૅટર ઝીરોમાં આઉટ
મોહાલી: ઇન્ટરનૅશનલ મૅચમાં ટીમ ઇન્ડિયાના બૅટર્સ જો ફટાફ્ટ ઝીરોમાં આઉટ થઈ જતા હોય તો રણજી ટ્રોફીમાં કોઈ ટીમથી ‘સામૂહિક શૂન્ય’નો આવો ફિયાસ્કો થઈ જાય તો એમાં શરમજનક જેવું કંઈ ન કહેવાય, ખરુંને? શનિવારે દિલ્હીની ટીમ સાથે આવું બની ગયું અને એ રેકોર્ડ રણજી ટ્રોફીના ઇતિહાસની બૅડ-બુકમાં આવી ગયો.
યાદ છેને, છેલ્લા છ મહિનામાં ભારતીય ટીમે બબ્બે વખત સામૂહિક ઝીરોના કડવા ઘૂંટ પીવા પડ્યા છે. ૮ ઓક્ટોબરે ચેન્નઇમાં વન-ડે વર્લ્ડ કપની પોતાની પહેલી જ મૅચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે પહેલા ફક્ત બે રનમાં ત્રણ બૅટર્સની ઝીરોમાં વિકેટ ગુમાવી હતી. પહેલાં ઈશાન કિશન, પછી રોહિત શર્મા અને ત્યાર બાદ જાણે બાકી રહી ગયો હોય એમ શ્રેયસ ઐયર પણ ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો. એ તો સારું થયું કે કોહલી (૮૫) અને કેએલ રાહુલે (અણનમ ૯૭) બાજી સંભાળી લીધી હતી અને ભારતને જીત અપાવી હતી.
આ મહિનાની શરૂઆતમાં એનાથી પણ મોટી નામોશી થઈ હતી. કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયાએ એક તબક્કે ઝીરોમાં છ વિકેટ ગુમાવીને નવો ખરાબ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે લખાવ્યો હતો. ૧૫૩મા રને પાંચમી વિકેટ પડી અને દસમી વિકેટ પણ એ જ સ્કોરે પડી હતી. ૧૧ બૉલમાં ભારતે છ વિકેટ ગુમાવી હતી. નવાઈની વાત એ છે કે ભારતની એ ઇનિંગ્સમાં શરૂઆતથી ગણીએ તો યશસ્વી, ઐયર, જાડેજા, બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાના ઝીરો હતા. નસીબજોગે, ભારતે હોલસેલના ઝીરોવાળી એ મૅચ પણ જીતી લીધી હતી.
હવે રણજી મેચની મુખ્ય વાત પર આવીએ. શનિવારે મોહાલીમાં ઉત્તરાખંડ સામે બીજા દાવમાં દિલ્હીના ટૉપ ઑર્ડરના છમાંથી પાંચ બૅટર ખાતું ખોલાવ્યા પહેલાં જ આઉટ થઈ ગયા હતા. અર્પિત રાણા (૦), યશ ધુલ (૦), ક્ષિતિજ શર્મા (૦), વૈભવ શર્મા (૦) અને વૈભવ કુંદપાલે (૦) પોતાના ઝીરોમાં વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમી ઓવરમાં ૧૧ રનના સ્કોરે દિલ્હીની અડધી ટીમપેવિલિયનમાં હતી. ઉત્તરાખંડના ૩૩ વર્ષના પેસ બોલર દીપક ધાપોલાએ હૅટ-ટ્રિક લીધી હતી. એ તો પાંચમા ક્રમે રમવા આવેલો હિમ્મત સિંહ ધબડકાના આઘાતને ભૂલીને અને હિંમત દાખવીને સમજદારીથી રમ્યો અને અણનમ સેન્ચુરી (૯૧ બૉલમાં એક સિક્સર અને સોળ ફોર સાથે ૧૦૯ રન) ફટકારી એટલે દિલ્હીને ૧૪૫/૫નો કઈંક સન્માનજનક સ્કોર મળી શક્યો. દાવની શરૂઆતમાં દિલ્હીનો સ્કોર એક તબક્કે ૩/૦ અને થોડી વાર બાદ ૫/૧૧ હતો.
જ્યારથી (૨૦ વર્ષથી ) ટી-૨૦ ફોર્મેટ આવ્યું છે ત્યારથી આક્રમક અપ્રોચથી બૅટિંગ કરવાની લાલચમાં (છગ્ગા-ચોક્કા મારવાના આવેશમાં) ઘણી વાર બૅટિંગ લાઈન-અપનો દાટ વળતો જોવા મળ્યો છે.