દિલ્હીમાં ટી-20ની સેકન્ડ-બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકૉર્ડ બન્યો
નવી દિલ્હી: અહીં દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ) ટી-20 ટૂર્નામેન્ટમાં શુક્રવારે ટી-20 ફૉર્મેટની બીજા નંબરની શ્રેષ્ઠ ઓપનિંગ પાર્ટનરશિપનો વિક્રમ રચાયો હતો. અનુજ રાવત (121 અણનમ, 66 બૉલ, અગિયાર સિક્સર, છ ફોર) અને સુજલ સિંહ (108 અણનમ, 57 બૉલ, નવ સિક્સર, સાત ફોર) વચ્ચે 241 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
અનુજ-સુજલની જોડીએ બધી 20 ઓવર રમી નાખી હતી અને ઈસ્ટ દિલ્હીને 241/0નો સ્કોર અપાવ્યો હતો. પુરાની દિલ્હી નામની ટીમ 242 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 215 રન બનાવી શક્તા ઈસ્ટ દિલ્હીનો 26 રનથી વિજય થયો હતો.
અનુજ રાવત આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી કેટલીક આક્રમક ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તેણે અને સુજલે પુરાની દિલ્હીના તમામ બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી.
આ પણ વાંચો: અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને હાર્ટ સર્જરી પછી રમવાનું શરૂ કરી દીધું!
અનુજ અને સુજલે મળીને કુલ 20 સિક્સર તથા 13 ફોર (કુલ 33 બાઉન્ડરીઝ) ફટકારી હતી.
અનુજ-સુજલની જોડીએ બનાવેલા 241 રન ટી-20 ક્રિકેટમાં ઓપનિંગ ભાગીદારી તરીકે બીજા સ્થાને છે. જાપાનના લાચલન યામામોતો-લાકે (134 રન) અને કેન્ડેલ કાદોવાકી-ફલેમિંગ (109)ની જોડીના નામે ટી-20માં ઓપનિંગ પાર્ટનરશિપનો વર્લ્ડ રેકૉર્ડ છે. તેમણે આ વર્ષના ફેબ્રુઆરીમાં ચીન સામેની ટી-20માં 258 રનની ભાગીદારી કરી હતી.