IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના આંશિક શેડ્યૂલમાં પાટનગર દિલ્હીને એકેય મૅચ નથી મળી

મુંબઈ: દિલ્હી દેશનું પાટનગર છે અને ત્યાંની આઇપીએલની ટીમ દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત કાર-અકસ્માતના 15થી પણ વધુ મહિના બાદ પહેલી વાર મેદાન પર રમવા ઊતરશે, પરંતુ તેના તેમ જ તેની ટીમના કરોડો ચાહકોને નિરાશ કરી દે એવું ગુરુવારે કંઈક બની ગયું.

આઇપીએલનું પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર થયું જેમાં 21માંથી એક પણ મૅચ દિલ્હીને નથી મળી.
22 માર્ચથી 7 એપ્રિલ સુધીના બે અઠવાડિયામાં આઇપીએલની 21 મૅચ દેશના કુલ 10 શહેરમાં રમાશે, પણ એકેય મૅચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમને નથી મળી.

વાત એવી છે કે શુક્રવાર, 23મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝન શરૂ થઈ રહી છે અને એની 5 માર્ચથી 17 માર્ચની ફાઇનલ સુધીની મૅચો દિલ્હીના આ જ મેદાન પર રમાશે. હવે ડબ્લ્યૂપીએલની એકસાથે આટલી બધી મૅચો એક જ મેદાન પર રમાય તો ત્યાર પછીની સિરીઝ કે ટૂર્નામેન્ટ માટે તરત જ મેદાન તૈયાર ન પણ કરી શકાય. એ જ કારણસર મેન્સ આઇપીએલના શરૂઆતના શેડ્યૂલમાં દિલ્હી માટે એક પણ મૅચ નથી રાખવામાં આવી.

બીજું, એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની છે એટલે એ દૃષ્ટિએ પણ દિલ્હીમાં માહોલ ગરમ હશે એટલે પણ દિલ્હીના ગ્રાઉન્ડને હમણાં મૅચો નથી ફાળવવામાં આવી. આઇપીએલના આયોજકોએ 21 મૅચનું આંશિક શેડ્યૂલ જાહેર કરી દીધું છે જે મુજબ 22 માર્ચથી 7 એપ્રિલ દરમ્યાન જે 21 મૅચ રમાશે એની પ્રથમ મૅચ ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે જેમાં ચેન્નઈનો સુકાની મહેન્દ્રસિંહ ધોની અને બૅન્ગલોરનો કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી ટૉસ માટે મેદાન પર ઊતરશે.

ફાઇનલ 26મી મેએ રમાવાની ધારણા છે. એ તારીખ અને ટી-20 વર્લ્ડ કપના આરંભની તારીખ વચ્ચે ફક્ત પાંચ દિવસનું અંતર રહેશે.

લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં થવાની છે અને એની તારીખ લગભગ માર્ચ મહિનાના આરંભમાં જાહેર કરવામાં આવશે.

21 દિવસના સમયપત્રક મુજબ સાત એપ્રિલ સુધી પાટનગર દિલ્હીમાં એકેય મૅચ નહીં રમાય.

22 માર્ચની પ્રથમ મૅચ રાત્રે 8.00 વાગ્યે શરૂ થશે અને પછીની મૅચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જે દિવસે ડબલ-હેડર (બે મૅચ) હશે એ દિવસે બપોરની મૅચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચ રવિવાર, 24મી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાશે. મુંબઈના વાનખેડેમાં પહેલી મૅચ પહેલી એપ્રિલે રાજસ્થાન રૉયલ્સ સામે રમાશે.

આ ટૂર્નામેન્ટમાં ચાર પ્લે-ઑફ સહિત કુલ 74 મૅચ રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button