નેશનલસ્પોર્ટસ

ગૌતમ હવે ગંભીર મુશ્કેલીમાં, છેતરપિંડીના કેસમાં અદાલતની નવેસરથી તપાસનો આદેશ!

નવી દિલ્હી: 2011ની સાલમાં ગાઝિયાબાદમાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ સાથે થયેલી કથિત છેતરપિંડીના કેસ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીરને નિર્દોષ જાહેર કરતો જે ચુકાદો મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા અપાયો હતો એને દિલ્હીની એક અદાલતના વિશેષ ન્યાયમૂર્તિએ કાઢી નાખ્યો છે અને ગંભીર સામેના આક્ષેપો સંબંધમાં વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ આ કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાછો મોકલીને આદેશમાં જણાવ્યું છે કે “ગૌતમ ગંભીર સામેના આક્ષેપો સંબંધમાં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપો. એટલું જ નહીં, આ કેસ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામેના આક્ષેપ તથા દરેક આરોપીની ભૂમિકા વિશે પુરાવા સાથે વિગતવાર જાણકારી આપો.”

2011ની સાલમાં ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં રુદ્ર બિલ્ડવેલ રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ‘સેરા બેલા’ નામનો હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પ્રકલ્પનું નામ 2013માં બદલીને ‘પાવો રિયલ’ રાખવામાં આવ્યું હતું. ગૌતમ ગંભીર એ જોઈન્ટ વેન્ચરમાં બ્રૅન્ડ એમ્બેસેડર તેમ જ વધારાનો ડિરેક્ટર હતો.

Also Read – ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે ભારતીય બૅટર્સને કઈ ખાસ સલાહ આપી?

રોકાણકારોએ જાહેરાતોથી ભરમાઈને એ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરવા રૂપિયા છ લાખથી 16 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે આ પ્રોજેક્ટમાં કોઈ જ વચનનો અમલ નહોતો કરાયો અને કંપનીએ લોકોના ફોન કોલ્સના જવાબ આપવાના પણ બંધ કર્યા હતા. 2019માં દિલ્હી પોલીસે કલમ 406 તથા 420 હેઠળ જે આરોપનામું નોંધાવ્યું હતું એમાં ગૌતમ ગંભીર ઉપરાંત પ્રમોટર મુકેશ ખુરાના, ગૌતમ મેહરા તેમ જ બબીતા ખુરાનાને આરોપી બતાવ્યા હતા.

રાજ્ય સરકારના સત્તાધીશો તરફથી એ પ્રકલ્પને કોઈ મંજૂરી પણ નહોતી અપાઈ.
પ્રોજેક્ટ માટેની જમીનના કબ્જા પર 2003માં જ અદાલતે સ્ટે આપ્યો હતો.
2013માં ગંભીરે ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હતું. આ કેસના મુખ્ય આરોપીઓમાં મુખ્ય કંપની ઉપરાંત ગંભીર તેમ જ એચ. આર. ઇન્ફ્રાસિટી પ્રા. લિ. અને યુ. એમ. આર્કિટેકચર્સ એન્ડ કોન્ટ્રેકટર્સ લિ.ના નામ પણ આરોપીઓ તરીકે છે. જોકે અગાઉ મેજિસ્ટ્રેટની અદાલતે આરોપી તરીકેના આક્ષેપમાંથી ગંભીરને નિર્દોષ જાહેર કરીને તેનું નામ કાઢી નાખ્યું એ બાબતમાં સ્પેશ્યલ જજ ગોગણેએ નવા આદેશમાં જણાવ્યું છે કે “ગંભીર સામેના આક્ષેપો વિશે જે ચુકાદો અપાયો એમાં સમજદારીનો અભાવ જણાય છે એટલે ગંભીરની આ કેસમાંની ભૂમિકાની નવેસરથી તપાસ થવી જોઈએ. ગંભીરને ભલે નિર્દોષ જાહેર કરાયા છે, પરંતુ ફ્લેટ ખરીદનાર રોકાણકારો સાથે એકમાત્ર ગંભીરનો બ્રૅન્ડ એમ્બેસેડર તરીકે સીધો સંપર્ક હતો.”
ગોગણેએ એવું પણ કહ્યું છે કે “ગંભીરે રુદ્ર બિલ્ડવેલને છ કરોડ રૂપિયા આપેલા અને કંપની પાસેથી 4.85 કરોડ રૂપિયા પાછા મેળવેલા એનો ઉલ્લેખ મેજિસ્ટ્રેટ અદાલતના ચુકાદામાં થયો જ નહોતો. ગંભીરને પાછા મળેલા એ પૈસા સંબંધમાં કોઈ સાંઠગાંઠ હતી કે નહીં અથવા એ પૈસા રોકાણકારોએ પ્રોજેક્ટમાં રોકેલા પૈસામાંથી અપાયા હતા કે નહીં એ વિશે પણ કોઈ ખુલાસો નહોતો કરવામાં આવ્યો.”
ન્યાયમૂર્તિ ગોગણેએ આદેશમાં જણાવ્યું છે કે “આ ચીટિંગનો કેસ છે અને છેતરપિંડીથી ભેગા કરાયેલા ભંડોળમાંના કોઈ પૈસા ગંભીર સુધી પહોંચ્યા હતા કે નહીં એની સ્પષ્ટતા પણ આરોપનામામાં થવી જોઈતી હતી. 2011થી 2013 દરમ્યાન આ પ્રોજેક્ટની જાહેરાતો કરાઈ હતી ત્યારે ગંભીર ડિરેક્ટરપદે (હોદ્દેદાર તરીકે) હતા અને 2013માં ગંભીરે ડિરેક્ટરના હોદ્દેથી રાજીનામું આપ્યું ત્યાર બાદ તેમને કંપની તરફથી રીપેમેન્ટ થયું હતું. “

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker