IPL 2024સ્પોર્ટસ

LSG vs DC IPL 2024 Highlights: નબળા દિલ્હીની લખનઊને એના જ હોમ ગ્રાઉન્ડ પર લપડાક

કુલદીપનો ત્રણ વિકેટનો તરખાટ: દિલ્હીના નવા બૅટર મૅકગર્કના પંચાવન રને બદોનીના પંચાવન રનને ઝાંખા પાડ્યા

લખનઊ: દિલ્હી કૅપિટલ્સ આ સીઝનની છ મૅચમાં માત્ર બીજો વિજય મેળવવામાં સફળ થયું. રિષભ પંતના સુકાનમાં તળિયાની આ ટીમ લખનઊ સુપર જાયન્ટ્સને છ વિકેટે હરાવીને સાવ તળિયાના સ્થાનેથી ઉપર (નવમા નંબરે) આવી ગઈ હતી અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુની ટીમ 10મા નંબરે ધકેલાઈ હતી. લખનઊની ટીમ ત્રીજેથી ચોથા નંબરે આવી હતી. રાજસ્થાન હજીયે મોખરે છે. કોલકાતા બીજા ક્રમે અને ચેન્નઈ ત્રીજે છે.

શુક્રવારે દિલ્હીએ 168 રનનો સાધારણ લક્ષ્યાંક 18.1 ઓવરમાં ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. 19મી ઓવરમાં દિલ્હીએ માત્ર ચાર રન બનાવવાના બાકી હતા ત્યારે લખનઊના અર્શદ ખાનના બૉલમાં ટ્રિસ્ટેન સ્ટબ્સે (15 અણનમ, નવ બૉલ, એક સિક્સર) છગ્ગો ફટકાર્યો હતો અને દિલ્હીએ 170/4ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. સ્ટબ્સ સાથે શાઇ હોપ (10 બૉલમાં 11 રન) અણનમ રહીને પાછો આવ્યો હતો.


સાઉથ આફ્રિકાથી આવેલો બાવીસ વર્ષનો દિલ્હીનો રાઇટ-હૅન્ડ બૅટર જેક ફ્રેઝર-મૅકગર્ક (પંચાવન રન, 35 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે લખનઊના આયુષ બદોની (પંચાવન અણનમ, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની ઇનિંગ્સને ઝાંખી પાડી દીધી હતી.


સ્પિનર કૃણાલ પંડ્યાની એક ઓવરમાં તેણે હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી. મૅકગર્કની આઇપીએલમાં આ પહેલી જ મૅચ હતી. તેની અને રિષભ પંત (41 રન, 24 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 46 બૉલમાં 77 રનની ભાગીદારી થઈ હતી.
દિલ્હીના બૅટર્સે સાધારણ લક્ષ્યાંકને મુશ્કેલ બનાવી દીધો હતો. ઓપનર પૃથ્વી શો બાવીસ બૉલમાં છ ફોરની મદદથી 32 રન બનાવીને રવિ બિશ્નોઈના બૉલમાં મિડ-વિકેટ પર નિકોલસ પૂરનને કૅચ આપી બેઠો હતો. પૂરને આગળની તરફ ડાઇવ મારીને નીચો કૅચ પકડી લીધો હતો. બિશ્નોઈએ બે તેમ જ નવીન-ઉલ-હક અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.


લખનઊએ ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને નજીવી ઈજાને કારણે ટીમમાં નહોતો સમાવ્યો. એ પહેલાં, ત્રીજા નંબરની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર તળિયાની દિલ્હી કૅપિટલ્સ સામે બૅટિંગ લીધા બાદ શરૂઆતના અને મિડલ-ઑર્ડરના ધબડકા બાદ છેલ્લી સાત ઓવરમાં થોડીઘણી ફટકાબાજીથી 167/7નો સન્માનજનક સ્કોર મેળવ્યો હતો.


એક સમયે લખનઊએ 94 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. અણનમ પંચાવન રન બનાવનાર આયુષ બદોની આ સીઝનમાં પહેલી વાર સારું પર્ફોર્મ કરી શક્યો હતો. તેની અને અર્શદ ખાન (16 બૉલમાં બે ફોર સાથે અણનમ 20) વચ્ચે આઠમી વિકેટ માટે 73 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. આઇપીએલના ઇતિહાસમાં આઠમી વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી હતી. 94મા રને કૃણાલ પંડ્યાની સાતમી વિકેટ પડી ત્યાર પછી બન્ને બૅટર ટીમના સ્કોરને 167/7 સુધી લઈ ગયા હતા.

દિલ્હીનો સ્પિનર કુલદીપ યાદવ ઈજા પામ્યા બાદ 15 દિવસે પાછો રમવા આવ્યો હતો અને છવાઈ ગયો હતો. તેણે 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેની ત્રણેય વિકેટમાં રાહુલ (બાવીસ બૉલમાં 39 રન), માર્કસ સ્ટોઇનિસ (10 બૉલમાં આઠ રન) અને નિકોલસ પૂરન (પહેલા બૉલે આઉટ)નો સમાવેશ હતો. બે વિકેટ ખલીલ અહમદે તેમ જ એક-એક વિકેટ ઇશાંત અને મુકેશ કુમારે લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button