સ્પોર્ટસ

દિલ્હીએ ડેવિડ મિલરને સરોજિની માર્કેટના ભાવમાં ખરીદી લીધો!

અબુ ધાબીઃ આઇપીએલના મિની ઑક્શનમાં સાઉથ આફ્રિકાના હાર્ડ-હિટર ડેવિડ મિલરને મંગળવારે 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમતે કોઈ ફ્રૅન્ચાઇઝીઓએ ખરીદવામાં રસ નહોતો બતાવ્યો અને છેવટે દિલ્હી કૅપિટલ્સે (DC) તેને એ જ બેઝ પ્રાઇસ પર મેળવી લીધો જેનાથી આશ્ચર્ય ફેલાયું છે અને તેની આ ખરીદી વિશે દિલ્હીમાં કહેવાય છે કે ` આ તૂફાની બૅટ્સમૅનને દિલ્હી કૅપિટલ્સે સરોજિની માર્કેટના ભાવમાં (ભાજીમૂળાના ભાવે) ખરીદી લીધો.’

ડેવિડ મિલર (DAVID MILLER) બહુ નામાંકિત બૅટ્સમૅન છે. તે વિશ્વભરના આક્રમક મિડલ-ઑર્ડર બૅટ્સમેનોમાં અચૂક ગણવામાં આવે છે. તાજેતરમાં જ તે પોતાના દેશની એસએ20 નામની લીગ ટૂર્નામેન્ટના પ્રચાર માટે મુંબઈ આવ્યો હતો.

આ પણ વાંચો: આઇપીએલના ઑક્શનમાં આજે કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ નથી ખરીદ્યા…

મિલર આ પહેલાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમમાં હતો. 2025ના મેગા ઑક્શનમાં લખનઊના ફ્રૅન્ચાઇઝીએ તેને 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને આ વખતે હરાજીમાં મૂકી દીધો અને દિલ્હીનું ફ્રૅન્ચાઇઝી તેને માત્ર 2.00 કરોડ રૂપિયામાં મેળવવામાં સફળ થયું છે.

36 વર્ષનો ડેવિડ ઍન્ડ્રયૂ મિલર અગાઉ રાજસ્થાન રૉયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત ટાઇટન્સ વતી પણ રમ્યો હતો. તેણે આઇપીએલમાં 13 વર્ષની કરીઅરમાં કુલ 141 મૅચમાં 3,077 રન કર્યા છે જેમાં એક સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે 141 મૅચમાં કુલ 138 સિક્સર અને 220 ફોર ફટકારી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button