નવી દિલ્હી: આઇપીએલની સત્તરમી સીઝન અત્યારે સોળે કળાએ ખીલી છે અને એમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ધૂમ મચાવી રહી છે. નવા-નવા વિક્રમો રચીને આ ટીમ
હરીફ ટીમોને હરાવી તો રહી જ છે, ટાઇટલ માટે ફેવરિટ પણ લાગી રહી છે.
શનિવારે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં હૈદરાબાદે આપેલા 267 રનના તોતિંગ ટાર્ગેટ સામે દિલ્હી કૅપિટલ્સની ટીમ 19.1 ઓવરમાં બનેલા 199 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને હૈદરાબાદે 67 રનથી વિજય મેળવ્યો હતો. પેસ બોલર ટી. નટરાજને પોતાની છેલ્લી (19મી) ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી જેમાં અક્ષર પટેલ, એન્રિક નોર્કિયા અને કુલદીપ યાદવ આઉટ થયા હતા. નટરાજનની બોલિંગ ઍનેલિસિસ (4-1-19-4) લાજવાબ હતી. દિલ્હીએ છેલ્લી ચાર વિકેટ કુલ સાત બૉલમાં ગુમાવી હતી. કૅપ્ટન રિષભ પંત (44 રન, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની છેલ્લી વિકેટ નીતિશ રેડ્ડીએ લીધી હતી.
હૈદરાબાદે 27મી માર્ચે મુંબઈ સામે 277/3નો નવો વિક્રમી સ્કોર નોંધાવ્યા બાદ 31 રનથી વિજય મેળવ્યો હતો અને 15મી એપ્રિલે બેન્ગલૂરુ સામે 287/3ના નવા રેકૉર્ડ-બ્રેક ટોટલ બાદ બેન્ગલૂરુને પચીસ રનથી પરાજિત કર્યું હતું. આ વખતે દિલ્હીની ટીમે હૈદરાબાદના હાથે નવો વિક્રમ તો ન થવા દીધો (થેન્ક્સ ટૂ કુલદીપ યાદવ), પરંતુ રિષભ પંતની ટીમ 67 રનના મોટા માર્જિન સાથેનો પરાજય ન ટાળી શકી. ખરેખર તો પંતે ટૉસ જીતીને હૈદરાબાદ જેવી રેકૉડ-બ્રેકર ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપવાની જે મોટી ભૂલ કરી હતી એ દિલ્હીને ભારે પડી.
હૈદરાબાદની ટીમે આ મૅચમાં પાવરપ્લેમાં (પહેલી છ ઓવરમાં) 125 રનનો નવો આઇપીએલ-રેકૉર્ડ રચવામાં સફળ થઈ હતી. એ સાથે, પાવરપ્લેનો 105 રનનો વિક્રમ તૂટ્યો હતો.
267 રનનો તોતિંગ ટાર્ગેટ સામે હોય એટલે મોટા ભાગની ટીમો માનસિક દબાણમાં જ ઇનિંગ્સનો આરંભ કરે અને સસ્તામાં વિકેટો ગુમાવી બેસે. દિલ્હી માટે પણ એવું જ બન્યું. પચીસ રનમાં ડેવિડ વૉર્નર અને પૃથ્વી શોની વિકેટ પડી ગઈ હતી. જેક ફ્રેઝર-મૅકગર્ક (65 રન, 18 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર) અને અભિષેક પોરેલ (42 રન, બાવીસ બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 84 રનની ભાગીદારીએ દિલ્હી વતી કંઈક ફાઇટબૅક રજૂ કર્યું હતું, પરંતુ એ હૈદરાબાદ જેવી માતબર ટીમ સામે જરાય પૂરતું નહોતું. નટરાજનની ચાર વિકેટ ઉપરાંત મયંક માર્કન્ડે અને નીતિશ રેડ્ડીએ બે-બે વિકેટ તેમ જ વૉશિંગ્ટન સુંદર અને ભુવનેશ્ર્વરે એક-એક વિકેટ લીધી હતી. આ સીઝનમાં 20.50 કરોડ રૂપિયાની રકમ મેળવનાર કૅપ્ટન પૅટ કમિન્સને 35 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
એ પહેલાં, હૈદરાબાદે સાત વિકેટે 266 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ (89 રન, 32 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) અને અભિષેક શર્મા (46 રન, 12 બૉલ, છ સિક્સર, બે ફોર)ની જોડીએ જોરદાર આતશબાજી શરૂ કરી હતી. તેમણે દિલ્હીના દરેક બૉલરની બોલિંગમાં ધુલાઈ કરી હતી અને બૉલને ચારેય દિશામાં મોકલ્યા હતા. આઇપીએલની આ સીઝનમાં ઓપનિંગ પાર્ટનરશિપનો 134 રનનો વિક્રમ શુક્રવારે જ બન્યો હતો, પરંતુ એ રેકૉર્ડ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. શુક્રવારે લખનઊમાં એલએસજીના કૅપ્ટન રાહુલ અને ડિકૉક વચ્ચે 134 રનની ભાગીદારી થઈ હતી. જોકે દિલ્હીમાં હૈદરાબાદે 131મા રને અભિષેકની પહેલી વિકેટ ગુમાવતાં ભાગીદારીનો વિક્રમ નહોતો તૂટી શક્યો.
હૈદરાબાદની ટીમે દિલ્હીની ધરા પર હાહાકાર મચાવ્યો હતો, પણ દિલ્હીનો લેફ્ટ-આર્મ રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ (4-0-55-4) ત્રાટક્યો હતો અને તેણે વારાફરતી ત્રણ વિકેટ લઈને હૈદરાબાદના રથને કાબૂમાં લીધો હતો. અક્ષર પટેલે અભિષેક અને માર્કરમનો શાનદાર કૅચ પકડ્યો હતા. હેડે 50 રન 16 બૉલમાં બનાવ્યા હતા. હૈદરાબાદના પહેલા 100 રન 30 બૉલમાં, 150 રન 8.4 ઓવરમાં બન્યા હતા.
કુલદીપે અભિષેક તેમ જ માર્કરમ (એક રન) અને ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી. ત્યાર બાદ હૈદરાબાદનું રનમશીન ધીમું પડી ગયું હતું, પણ શાહબાઝ અહમદ (59 અણનમ, 29 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) તેમ જ નીતિશ રેડ્ડી (37 રન, 27 બૉલ, બે સિક્સર, બે ફોર)ની જોડીએ 67 રનની ભાગીદારીએ ફરી બધાને વિચારતા કરી દીધા હતા. અબ્દુલ સામદે આઠ બૉલમાં 13 રન બનાવ્યા હતા. મુકેશ કુમાર, અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.