બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાનની ટીમમાં ધરખમ ફેરફારના અધ્યક્ષે આપ્યા સંકેત
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સોમવારે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમની કારમી હાર બાદ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટીમમાં મોટા ફેરફાર થશે.
શાહિદ આફ્રિદી, મોહમ્મદ હફીઝ અને ફવાદ આલમ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ રવિવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે 10 વિકેટની હાર માટે રાષ્ટ્રીય ટીમની ટીકા કરી હતી. નકવીએ કહ્યું, “હું પાકિસ્તાન ક્રિકેટમાં સમસ્યાઓને ઠીક કરવાનો પ્રયાસ કરીશ અને પાકિસ્તાન ક્રિકેટમાં બદલાવ આવવાનો છે.
હાફિઝે વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો કરવા અંગે નકવીને કરેલી ટિપ્પણીની યાદ અપાવીને કટાક્ષ કર્યો હતો. જ્યારે પાકિસ્તાની ટીમ વર્લ્ડ ટી-20 કપમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે ભારત સામેની હાર બાદ નકવીએ કહ્યું હતું કે, “શરૂઆતમાં મને લાગતું હતું કે નાના ફેરફારો જ પૂરતા હશે. પરંતુ આ ખરાબ પ્રદર્શન બાદ સ્પષ્ટ છે કે મોટા ફેરફારની જરૂર છે. દેશના ક્રિકેટમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થશે.
જો કે, તે પછી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જ સિનિયર ખેલાડીઓએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં શાન મસૂદની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતર્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટમાં બદલાવ આવશે.