દેશની નંબર-વન ઑલરાઉન્ડર કહે છે, ‘પોલીસ ઑફિસર બનવાનું નાનપણથી સપનું હતું જે પૂરું થયું’
નવી દિલ્હી: દીપ્તિ શર્મા ભારતની નંબર-વન ઑલરાઉન્ડર અને સમગ્ર મહિલા ક્રિકેટમાં ઑલરાઉન્ડર્સના ટૉપ-ફાઇવ રૅન્કિંગમાં આવે છે. 2022-’23માં બીસીસીઆઇનો ‘વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યર’ અવૉર્ડ જીતનાર દીપ્તિએ ભારતને ઘણી મૅચો જિતાડી છે. ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં યુપી વૉરિયર્ઝ ટીમે તેને 2.60 કરોડ રૂપિયામાં મેળવી છે અને ભારતીય ટીમની અનુભવી ખેલાડીઓમાં તેની ગણના થાય છે.
તે અથાક મહેનત કરીને અવ્વલ દરજ્જાની ક્રિકેટર બની શકી છે, પણ નાનપણથી તેનું જે સપનું હતું એ ગયા મહિને પૂરું થયું. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની દીપ્તિને ઉત્તર પ્રદેશ પોલીસમાં ડેબ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીએસપી) તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને છેલ્લા બે વર્ષમાં તેણે ક્રિકેટમાં જે યોગદાનો આપ્યા છે એને બિરદાવીને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેના સત્કાર સભારંભમાં તેને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું હતું.
એ પ્રસંગે દીપ્તિેએ પીટીઆઇ વીડિયોમાં કહ્યું, ‘નાનપણથી મારું સપનું હતું કે એક દિવસ હું પોલીસ ઑફિસર બનીને રહીશ. મને એ પદ અને જવાબદારી ખૂબ કઠિન લાગતા હતા, પરંતુ એ યુનિફૉર્મ પહેરવાની મારી તીવ્ર ઇચ્છા હતી જે હવે પૂરી થઈ. મારા મમ્મી-પપ્પા પણ મને કહેતા કે મારે પોલીસ અધિકારી બનવું જ જોઈએ. હવે જ્યારે મને એ પદ અને સન્માન મળ્યું છે તો તેઓ પણ ખૂબ ખુશ થયા છે.’
દીપ્તિ લેફ્ટ-હૅન્ડ બૅટર અને રાઇટ-હૅન્ડ સ્પિનર છે. તેણે 194 ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ 3,300થી વધુ રન બનાવ્યા છે અને 225થી વધુ વિકેટ લીધી છે. તે હવે ડબ્લ્યૂપીએલમાં ફરી ટૅલન્ટ બતાવવા ઉત્સુક છે. તે યુપી વૉરિયર્ઝમાં છે જેની પહેલી મૅચ શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે રમાશે. યુપીની ટીમમાં વર્લ્ડ નંબર-વન બોલર ઇંગ્લૅન્ડની સૉફી એક્લસ્ટન પણ છે.