આગ્રામાં ભારે સલામતીના બંદોબસ્ત વચ્ચે દીપ્તિ શર્માનો 10 કિલોમીટર લાંબો રોડ-શો

આગ્રા (ઉત્તર પ્રદેશ): પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેના આતંકવાદી હુમલાને કારણે પરિસ્થિતિ ગંભીર અને ગમગીન છે ત્યારે (બાય રોડ) અંદાજે 245 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં ગુરુવારે સવારથી ઉત્સવ જેવો માહોલ હતો, કારણકે તેમની વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્મા વિશ્વ કપના વિજય બાદ પહેલી વાર તેના આ શહેરમાં પાછી આવી હતી.
નવાઈની વાત એ છે કે નજીકમાં જ દેશની રાજધાની દિલ્હીમાં હજી ત્રણ દિવસ પહેલાં કાર-બૉમ્બને કારણે ભારે તારાજી થઈ ત્યાં આગ્રામાં દીપ્તિ શર્મા (Deepti Sharma) માટે ખુલ્લા વાહનમાં લાંબા રોડ-શો (Road Show)નું આયોજન કરવામાં આવ્યું હતું.
દીપ્તિ શર્માએ બીજી નવેમ્બરે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમના મેદાન પર સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 58 બૉલમાં એક સિક્સર તથા ત્રણ ફોરની મદદથી 58 રન કર્યા હતા અને પછી 39 રનમાં પાંચ વિકેટ લીધી હતી. આખા વર્લ્ડ કપમાં તેની બાવીસ વિકેટ તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 215 રન પણ કર્યા હતા અને ત્રણ કૅચ પણ ઝીલ્યા હતા.
આપણ વાચો: પીએમ મોદીએ ટૅટૂ વિશે પૂછ્યું ત્યારે દીપ્તિ શર્માએ કહ્યું કે…
બુલડૉઝરની મદદથી ફૂલોનો વરસાદ
સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માના આગમન વખતે ખુલ્લા વાહનમાં 10 કિલોમીટર લાંબો રોડ-શો યોજવામાં આવ્યો હતો. તેના પર બુલડૉઝરની મદદથી ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. દીપ્તિ તેનાં હજારો ચાહકોના પ્રેમ બદલ બેહદ ખુશ હતી. તેણે વાહનમાં ઊભા રહીને સતત હસતાં ચહેરે ફૅન્સનું અભિવાદન કર્યું હતું. તેના અનેક ચાહકો તિરંગા સાથે આવ્યા હતા તેમ જ ડ્રમ અને અન્ય વાજિંત્રોના તાલે ખૂબ નાચ્યા હતા. કેટલાક ચાહકો અશ્વ અને ઊંટ પર આવ્યા હતા.
VIDEO | Agra: Cricket World Cup Champion Deepti Sharma arrives in her hometown to a roaring welcome. Fans line the streets in a vibrant roadshow, showering her with flowers and waving Tricolour. #DeeptiSharma
— Press Trust of India (@PTI_News) November 13, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/iIHcB82d5j
દીપક ચાહરના પિતાએ આપ્યા અભિનંદન
આ પ્રસંગે ભારતીય ક્રિકેટર દીપક ચાહરના પિતા પણ રોડ-શોમાં હાજર હતા અને તેમણે દીપ્તિને અભિનંદન આપ્યા હતા. રોડ-શો પૂરો થયા બાદ દીપ્તિ ઘરે ગઈ હતી જ્યાં તેની મમ્મીએ તેની આરતી ઉતારી હતી અને દીકરીની આ જ્વલંત સફળતા બદલ ઈશ્વરનો આભાર માનવા પૂજા-વિધિનું આયોજન પણ કર્યું હતું. દીપ્તિના સગાંસંબંધીઓ તેમ જ પાડોશીઓ પણ ત્યાં હાજર હતા અને તેમણે દીપ્તિને ઉત્સાહભેર આવકારી હતી.
આપણ વાચો: દીપ્તિ શર્માએ એવો વિશ્વવિક્રમ કર્યો જે ક્યારેય પુરુષોની વન-ડે ક્રિકેટમાં પણ નથી થયો!
દીપ્તિને દોઢ કરોડ રૂપિયાનું ઇનામ
ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગીની સરકારે દીપ્તિ શર્મા માટે દોઢ કરોડ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. પોતાની વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીને સૌથી વધુ રોકડ ઇનામ આપવામાં આંધ્રની સરકાર મોખરે અને મહારાષ્ટ્ર સરકાર બીજા નંબરે છે. લેફ્ટ-આર્મ સ્પિનર શ્રી ચરની આંધ્રની છે.
તેણે વર્લ્ડ કપની નવ મૅચમાં 14 વિકેટ લીધી હતી અને તમામ બોલર્સમાં ચોથા નંબરે હતી. શ્રી ચરનીને આંધ્રની સરકારે સૌથી વધુ અઢી કરોડ રૂપિયાનું ઇનામ આપવા ઉપરાંત તેના વતન કડપ્પામાં 1,000 સ્ક્વેર યાર્ડના પ્લૉટ પરનો બંગલો ઇનામરૂપે આપ્યો છે તેમ જ તેને ગ્રૂપ-1 સરકારી નોકરી પણ ઑફર કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈની ત્રણેય ખેલાડી (સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ, રાધા યાદવ)ને તાજેતરમાં (દરેક પ્લેયરને) 2.25 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું.



