
રાજકોટઃ બુધવારે અહીં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત સામે વન-ડે શ્રેણીની બીજી મૅચમાં વન-ડે કરીઅરની આઠમી સેન્ચુરી સાથે ન્યૂ ઝીલૅન્ડને શાનથી વિજય અપાવનાર ડેરિલ મિચલ (131 અણનમ, 117 બૉલ, 153 મિનિટ, બે સિક્સર, અગિયાર ફોર) મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા અને નીતીશકુમાર રેડ્ડી સામે તો સફળતા મેળવી જ હતી, તેણે ખાસ કરીને ટોચના બે સ્પિનર કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજા સામે સારું રમીને પોતાની ઇનિંગ્સને ચાર ચાંદ લગાવી દીધા હતા.
ભારતના 7/284ના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડે 47.3 ઓવરમાં ત્રણ વિકેટે 286 રન કરીને વિજય મેળવ્યો અને ત્રણ મૅચની શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. કે. એલ. રાહુલ (112 અણનમ, 92 બૉલ, 121 મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર)ની આઠમી સેન્ચુરી એળે ગઈ હતી.

આપણ વાચો: સીયર્સ-ડેરિલના વિક્રમો વચ્ચે ન્યૂ ઝીલૅન્ડની પાકિસ્તાન સામે 3-0થી ક્લીન-સ્વીપ…
મૅન ઑફ ધ મૅચ ડેરિલ મિચલ (Daryl Mitchell)ની કુલદીપ (10-0-82-1) અને જાડેજા (8-0-44-0) સામેની સફળતાને ભૂતપૂર્વ કિવી ખેલાડી સાયમન ડુલે ખૂબ બિરદાવી હતી. બીજી તરફ, સુનીલ ગાવસકરે કહ્યું હતું કે હવે રવિવારની છેલ્લી મૅચમાં વધુ માનસિક દબાણ ભારતીયો પર જોવા મળી શકે.

સાયમન ડુલે (Doull) જણાવ્યું હતું કે ` મિચલ ભારત સામે અગાઉ પણ સારું રમ્યો હતો. તેણે ફૂટવર્કના સારા ઉપયોગથી રિવર્સ સ્વીપમાં ઘણા રન બનાવ્યા હતા. કુલદીપ સામે શરૂઆતથી જ આગળ આવીને ફટકાબાજી કરીને મિચલે તેને પ્રેશરમાં લાવી દીધો હતો. ત્યારથી જ કુલદીપ લેન્ગ્થ થોડી ગુમાવી બેઠો હતો.
આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. જાડેજા સામે પણ મિચલ સારું રમ્યો. તેની સામે આગળ આવીને સમજદારીપૂર્વકના ઊંચા શૉટ માર્યા હતા, આક્રમક વલણ જાળવી રાખ્યું હતું અને બૉલને મેદાનની બન્ને બાજુએ મોકલ્યા હતા. રિવર્સ-સ્વીપ, બૅક-ફૂટ શૉટ સહિત તમામ પ્રકારની કરામત મિચલે અજમાવી હતી.’



